૧૨૦૦ વર્ષથી પણ જૂની સોમનાથ મંદિરની બ્રહ્મશિલા મહમદ ગઝની પણ હટાવી નહોતો શક્યો, તે બ્રહ્મશિલા પર કેમ સરદાર પટેલના હસ્તે શિવરાત્રીના
દિવસે શિવલિંગ સ્થાપનાની આશા નષ્ટ પામી?
સોમનાથ મંદિરની એ ઐતિહાસિક બ્રહ્મશિલા કે જે ૧૨૦૦ વર્ષથી પણ જૂની હશે જ્યારે મહમદ
ગઝનીએ સોમનાથ પાટણ પર કરોડોની કિમતનું ઝવેરાત લૂટયું અને શિવલિંગ તોડ્યું અને તેની
નજર આ બ્રહ્મશિલા પર પડી, ગઝનીએ એમ માન્યું કે આ શિલા નીચે અમૂલ્ય ખજાનો હશે આથી આ
શિલા ખસેડવા પ્રયાસો કર્યા પણ આ શિલા ત્યાંથી એક તસુ પણ ખસી નહી.
સોમનાથના ઐતિહાસિક મંદિરમાં ૧૨૦૦ વર્ષ પુરાણી આ બ્રહ્મશિલા પી. ડબલ્યુ ડી. ખાતાના
માણસોની બિનઆવડતના કારણે આશરે ૧૯ નવેમ્બર ૧૯૫૦ના દિવસે તૂટી ગયેલ. દશેરાના દિવસથી જૂના
મંદિરની દીવાલો તોડવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ અને ૯ મંદિરનો ઘુમ્મટ પર કામ કરતાં
માણસોની બિનઆવડતના કારણે આ શિલાના ચાર ટુકડા થયા. ૧૯ ઓકટોબર ૧૯૫૦ના દિવસે સોમનાથ ટ્રસ્ટના
કાર્યવાહકો, મધ્યસ્થ સરકારના પ્રધાન કનૈયાલાલ મુન્શી, સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી
ઢેબર અને અન્ય અધિકારીઓની હાજરીમાં આ બ્રહ્મશિલા કાયમી રાખી તેના પર શિવરાત્રીના દિવસે
સરદાર સાહેબના વરદ હસ્તે સોમનાથ મંદિરના નવા શિવલિંગની સ્થાપના કરવા માટેનું આયોજન
કરવામાં આવેલ.
આર્કિયોલોજીસ્ટો મુજબ આ બ્રહ્મશિલા નીચે ખોદકામ થાય તો બીજું મંદિર નીકળવાની શક્યતા
છે. પરંતુ ખોદકામ કરતાં પણ મંદિરના ચિન્હો દેખાયા નહોતા. પણ આ બ્રહ્મશિલા ચાર પાકી
દીવાલોના ટેકે હતી અને દીવાલો વચ્ચે માટે ભરી તેના પર બ્રહ્મશિલા મૂકવામાં આવેલ હતી.
સોમનાથ ટ્રસ્ટે મંદિરની આજુબાજુના મકાનો ખરીદી લીધા અને બાજુમાં આવેલ પુષ્ટિમાર્ગીય
સંપ્રદાયના શ્રી મહાપ્રભુજીની બેઠક તથા શ્રી લક્ષ્મીનારાયણના મંદિરના વિસ્તારનો અમુક
ભાગ બાકી રાખી ધરમશાળા તથા બીજા મકાનો તોડી મંદિરની આસપાસનો વિસ્તાર રમણીય સ્થળ તરીકે
ફેરવી નાખ્યો. આ સ્થળની વધારે રમણીય બનાવવા ૫૦૦ એકર જમીન પણ સોમનાથ ટ્રસ્ટે ખરીદી લીધી.
આમ, સોમનાથ મંદિરની એ ઐતિહાસિક બ્રહ્મશિલા કે જે ૧૨૦૦ વર્ષથી પણ જૂની હતી તે તૂટી
જવાના કારણે તે શિલા પર સરદાર પટેલના હસ્તે શિવલિંગની સ્થાપનાની આશા નષ્ટ પામી.
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
No comments
Post a Comment