સત્યાગ્રહી વલ્લભનંદીની કુ. મણીબેન પટેલ
આજે કુ. મણીબેન પટેલ સરદાર સાહેબના પુત્રીના જન્મ દિવસે તેમનું સત્યાગ્રહમાં યોગદાન
સફેદ ખાદીના કાપડ ની થીંગડાવાળી સાડી અને કોણી સુધી ની બાંય વાળો બ્લાઉઝ કે પોલકું, સાડી થોડી ઊંચી પહેરેલ અને માથે ઓઢેલી હોય, સદાય આ પહેરવેશમાં નજર આવનાર ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીના દીકરી મણીબેન પટેલ - વલ્લભનંદીની એક અલગ દેખાઈ આવતા, સ્વભાવે તેઓ ગરમ મિજાજના અને સદાય સરદાર સાહેબની પાછળ પડછાયો બનીને રહ્યા. મણીબેનનો આટલો જ પરિચય ન હોઈ શકે. મણીબેન પટેલ પોતે સત્યાગ્રહી બન્યા તેની સાથે તેમણે આદર્શ પુત્રીની પણ ફરજ બજાવી.
સરદાર પટેલે ખેડા સત્યાગ્રહથી અંગ્રેજી પોશાક ત્યજી ધોતિયું, કોટ અને ટોપી પહેરવાના શરૂ કર્યા. નરહરિ પરીખ તેમના પુસ્તકમાં ટાંકે છે કે સરદારે તેમના બેરિસ્ટરના ઝભ્ભા ઉપરાંત ડઝનબંધ સૂટઓ, નેકટાઈઓ, બસો થી અઢીસો જેટલા કોલર અને દસેક જોડી જૂતાં બાળ્યા હતા આમ સરદાર સાહેબે પોતાના વૈભવી ઠાઠનો દેશની આઝાદીની લડત માટે ત્યાગ કર્યો. અને ત્યારબાદ વર્ષ ૧૯૨૧ થી આ પહેરવેશ છોડી ફક્ત ખાદી પહેરવા લાગ્યા હતા અને ૧૯૨૩ થી તો મણીબેન પોતાના હાથે કાંતેલા સૂતરને વણાવી વલ્લભભાઈના કપડાં બનાવતા. અને વર્ષ ૧૯૨૭ પછી સરદાર પટેલ મણિબેનના હાથે કાંતેલા સુતરની ખાદી જ પહેરવાનું પસંદ કરતા.
મણીબેનને સરદાર સાહેબે સત્યાગ્રહ માટે લોકોને જગાડવા અને હિંમત આપવા માટે ૦૯ સપ્ટેમ્બર ૧૯૩૦ના રોજ યરવડા જેલમાંથી પત્ર લખ્યો તેમાં જણાવ્યું કે : તબિયત સંભાળીને ખૂબ કામ કરજે, ખેડા જિલ્લામાં રખડવાનું રાખજે અને લોકોને હિંમત આપ્યા કરજે, માવળંકરને બને તો એક દિવસ મળી આવજે, બાને ફરી વખત મળે તો મળી આવજે. એમને કંઈ પૈસાની જરૂર હોય તો કૃષ્ણલાલને મળી મારા ખાનગી ખાતામાંથી મંગાવી આપી શકાય. તું હાલ ક્યાં રહે છે તે ખબર લખી નથી. હું માની લઉં છું કે દાદુભાઈને ત્યાંજ રહેવાનું રાખ્યું હશે.”
૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના અંત સુધીમાં જ્યારે સરદારને માંદગી અનુભવતા હતા, ત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈકે તેમને સચિવ તરીકે મદદ કરવી જોઈએ.ત્યારે મણીબેને કહ્યું: "જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં?" ૧૯૨૯થી બાપુજીના મૃત્યુ સુધી, જ્યારે પણ શક્ય હોય ત્યારે મેં તેમનો પત્રવ્યવહાર જાળવી રાખ્યો હતો. મણીબેન એક પ્રસંગ જણાવતા કહે છે કે એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે. ગોપાલસ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાં તેમની મુલાકાતે આવ્યા ત્યારે બાપુજીએ સી. રાજગોપાલાચારીએ લખેલ એક પત્ર મંગાવ્યો. તેઓ એ ભૂલી ગયા હતા કે તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સદભાગ્યે, મેં એ ટુકડાઓ એકઠા કર્યા હતા. તેને પસાર કરતા પહેલા તેમને એક સાથે ગોઠવી ચોંટાડવામાં મને થોડો સમય લાગ્યો. અને આ પત્ર તેમના હાથમાં જ્યારે મે આપ્યો ત્યારે તેઓ એકીટસે મારી સામે જોઇ રહ્યા, જાણે વિચારતા હોય કે આ દીકરી મારુ કેટલું ધ્યાન રાખે છે.
દાંડી કૂચ દરમ્યાન ૧૯૩૦ ના સપ્ટેમ્બર મહિનામાં મણીબેન જેલમાં ગયા અને તેમને પહેલા ખેડા જેલમાં અને ત્યારબાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા. સાબરમતીમાં સરદારે મણીબેનને લખેલા પત્રોમાં તેમની હિન્દી અને મરાઠી તાજું કરી લેવાની સલાહ આપી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક નિયમ હતો કે જે બહેનોને જેલની સજા થઈ હોય તેઓ કાચની બંગડી પહેરી ન શકે. અને હિન્દુ ધર્મ અનુસાર પરણેલી સ્ત્રીઓ માટે હાથમાં બંગડીઓ પહેરાવી એ સૌભાગ્યવંતીનું નિશાન છે અને તેને ઉતારવી તેનો અર્થ એ થાય કે તેનું સૌભાગ્ય સાથે અમંગળ થયું તેમ સૂચવે, આવી એક ધાર્મિક લાગણી હોવાના કારણે જેલમાં પુરાયેલ દરેક પરણીત સ્ત્રીઓએ તેનો સખત વિરોધ કર્યો અને વારંવાર જેલ અધિકારીઓ સાથે ઝઘડા કર્યા, આખરે મણીબેને આ બાબતે જેલ અધિકારી સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું ત્યારે હવાલદારે તુમાખી ભરી નજરે જાણે મણીબેનને ડરવતા હોય તેમ ગુસ્સે થઈ જોયું, પરંતુ મણીબેનને તેનો કોઈ ભય નહતો, તેમણે મક્કમતાથી જેલ અધિકારીને જણાવ્યું કે અમારે જેલ બાબતે કોઈ ફરિયાદ નથી કે કોઈ સગવડ નથી જોઈતી, પરંતુ અમારી પરંપરાઓ બાબતે રજૂઆત કરવી છે અને જણાવ્યું કે તમે રોજ ચર્ચમાં જતાં હશો, તમે કરેલ પ્રાર્થનાને વિશ્વાસ સાથે કાયમ કરવા ગાળામાં ક્રોસ પહેર્યો છે, તેવી જ રીતે અમારી બહેનો દેશની આઝાદી ખાતર જેલવાસ ભોગવી રહી છે, અને અમારા ધર્મ અનુસાર પરીણિત સ્ત્રીના હાથમાં કાચની બંગડીઓ અને તેનો રણકાર સ્ત્રીને સૌભાગ્યવંતી છે તેનો વિશ્વાસ અને તેની હિંમત છે, તો આ કાચની બંગડીઓ ઉતારવાનો જે નિયમ છે તે પરત ખેચવામાં આવે. મણીબેનની રજૂઆત જેલ અધિકારીને ગળે ઉતારી અને પરિણામે આ જડ નિયમને નાબૂદ કરવાની પરવાનગી મળી (મણીબેન પટેલ – લે. મેધા ત્રિવેદી). રાજકોટ સત્યાગ્રહ સમયે ઢેબરભાઈની ધરપકડ થયા પછી તરત સરદાર સાહેબે તેમના પુત્રી મણીબેનને રાજકોટ મોકલ્યા. મણીબેને ગામેગામ ફરી લોકજાગૃતિ ટકાવી રાખી. પાંચમી ડીસેમ્બરે તેમની ધરપકડ કસ્તૂરબાની સાથે મણીબેન પણ રાજ્યની જેલમાં પુરાયા.
મણીબેન પટેલે સરદાર સાહેબના અંતિમ સમય સુધી તો સાથ આપ્યો પરંતુ સરદાર સાહેબના સ્વર્ગવાસ બાદ પણ સરદાર સાહેબના પત્રો અને માહિતી જાહેર જનતા સમક્ષ મૂકી. તેમણે પોતાના અંત સામે સુધી સરદાર સાહેબ વિષે લોકોને માહિતગાર કર્યા અને એક સાદગી ભર્યું જીવન જીવ્યા. આજે આપણે જે કાંઈ પણ સરદાર સાહેબ વિષે જાણીએ છે તે મણીબેનને આભારી છે.
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel