૨૫ જુલાઈ ૧૯૨૭ થી ૨૯ જુલાઈ ૧૯૨૭ ચાર દિવસમાં વરસાદે આશરે ૧૦૦૦૦
ચોરસ માઈલમાં ૪૦૦૦ ગામોમાં જળબંબાકાર મહાવિનાશ વેરેલો અને આ જોઈ વિઠ્ઠલભાઈ ખૂબજ દુ:ખી
થયા હતા. ૧૮ ઓગષ્ટ ૧૯૨૭ના દિવસે વડી ધારાસભા ની બેઠક હોવાના કારણે મને-કમને વિઠ્ઠલભાઈ
પટેલે સિમલા તો જવું પડ્યું પરંતુ દિલ દિમાગ તો રેલ સંકટ અને રેલ પીડિતોના કારણે દુ:ખી
હતું. તેમણે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની પરવાનગી લઈ રેલપીડિતોના લાભાર્થે ફંડ શરૂ
કર્યું અને તેમાં પોતાના જ રૂ. ૧૦૦૦૦/- આપ્યા અને વાઈસરોયે પણ રૂ. ૫૦૦/- નો ફાળો નોંધાવ્યો.
આ ફાળાનો આંક એક લાખ વટાવી ગયો. નાભાના નરેશ રૂ. ૫૦૦૦૦/- આપવા તૈયાર થયા હતા પરંતુ
તેમની શરત હતી કે વડી ધારાસભામાં કેટલાક પ્રશ્નો પૂછવાની છૂટ મળે. આ દરખાસ્ત વિઠ્ઠલભાઈ
પટેલ સ્પીકર તરીકે સ્વીકારી ના શક્યા. અને બેધડક નાભા નરેશની દરખાસ્ત ફગાવી દીધી. વિઠ્ઠલભાઈ
ના પ્રયાસોને કારણે મુંબઈ સરકારે રૂ. દોઢ કરોડ ઉપરાંતની રકમની ગ્રાન્ટની સાથે અન્ય
મદદ પણ પહોંચાડી.
૨૦ સપ્ટેમ્બરે ધારાસભા પૂર્ણ થઈ અને પોતાનું કામ સમેટી ૨૭ સપ્ટેમ્બરે
તેઓ નડીઆદ પહોંચ્યા અને નડિયાદ વડુમથક બનાવી રાહત કાર્યોમાં જોડાયા. સરકારી રાહત કાર્યો
મિ. ગેરેટના હસ્તક હતી અને પ્રજાકીય રાહત કાર્યો વલ્લભભાઈ કરતાં હોવાથી બંને સંગઠનોનો
સમન્વય કરી સરસ પરિણામ લાવવા માટે તેમણે નવા બાંધકામ કરવાનું શરૂ કર્યું. ૨૬ નવેમ્બરે
આદર્શ ગામની રચના કરી, મહેમદાવાદ તાલુકામાં આવેલ દંતવા ગામ પૂરે પૂરું ખતમ થઈ ગયું હતું તેનું
કોઈ નિશાન નહોતું રહ્યું તે ગામનું નવસર્જન વિઠ્ઠલભાઈ પટેલે કર્યું અને ગામના લોકો
અને કાર્યકરોએ આ ગામનું નામ વિઠ્ઠલ પૂરા રાખ્યું.
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
No comments
Post a Comment