Sardar Saheb was arrested for the first time at Ras - 07-03-1930 | Vithalbhai Patel, Sardar Patel

Sardar Saheb was arrested for the first time at Ras - 07-03-1930

Sardar Saheb was arrested for the first time at Ras - 07-03-1930

Sardar Saheb was arrested for the first time at Ras - 07-03-1930


૦૭-૦૩-૧૯૩૦ સરદાર સાહેબની પહેલી ધરપકડ

– દાંડીકૂચની ગુજરાતમાં સૌ પ્રથમ ધરપકડ

વર્ષ ૧૯૩૦ની શરૂઆતમાં લાહોર અધિવેશનમાં મહાસભાએ સંપૂર્ણ સ્વરાજની માંગ કરી અને ૨૬મી જાન્યુઆરી ૧૯૩૦ના દિવસે પૂર્ણ સ્વરાજ દિન તરીકે દેશભરમાં ઉજવ્યો, અંગ્રેજોને પ્રજાશક્તિનું ભાન થાય તે ધ્યાને રાખી દાંડીકૂચની યોજના બની.

દાંડીકૂચ શરૂ થાય તે પહેલા સરદાર પટેલ ખેડા જિલ્લાની એકવાર મુલાકાત કરે તો લોકજાગૃતિ અને ઉત્સાહ વધે તેમ વિચારી જિલ્લાના કાર્યકરોએ સરદારને ખેડા જિલ્લામાં નોંતર્યા. ૭મી માર્ચે સરદાર આણંદ આવી બોરસદ આવે અને સાંજે મહી કાંઠે કંકાપુરા ગામમાં સભા સંબોધે તેવું આયોજન કરવામાં આવ્યુ. આણંદ ઉતારી મોહનલાલ પંડયા, ફૂલચંદભાઈ શાહ, ગોકલદાસ બાપુ, રાવજીભાઈ મણિભાઈ પટેલ, અને દરબાર ગોપાલદાસ સાથે બોરસદ થઈ આશરે સાડા દસ વાગ્યે રાસ પહોંચ્યા. બપોરનું ભોજન બોરસદને બદલે રાસ ગામે ગોઠવાયું અને તેમનો ઉતારો ગામના મંદિરે રાખેલ હતો અને ગામના લોકોએ સરદારને વિનંતી કરી કે “અમે સભાની વ્યવસ્થા રાખી છે આપ કઈક કહો.” ગામના લોકોને સાચે જ ભાષણમાં રસ છે કે નહી તે ચકાસવા તેમણે ગામના લોકોને પૂછ્યું કે “આગામી સત્યાગ્રહની લડતમાં રાસ કેટલા સૈનિકો આપશે?” 
આશાભાઈ એ કહ્યું “બસો”, એટલે સરદારે પૂછ્યું, “બહેનો પણ ભાગ લેશે ને?”

ગામના લોકોનો હકારાત્મક જવાબ મળતા સરદારે સભા ભરવાની પરવાનગી આપી. ગામમાં સાદ પાડીને સભાની જાહેરાત કરવામાં આવી, પણ પોલીસને આ સભાની જાણ થયા વગર રહે જ નહી, પોલીસ સુપ્રિટેન્ડેન્ટે કંકાપુરાથી સરદારની ધરપકડ કરવાની તૈયારી કરેલ હતી અને કાયદેસર હુકમ માટે બોરસદના પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ પણ કંકાપુરા પહોંચ્યા હતા, પરંતુ કંકાપુરાને બદલે રાસમાં સભા ગોઠવાતા બધો જ સરકારી બંદોબસ્ત રાસ ગામે પહોંચ્યો. ગામની ભાગોળે વડ નીચે સભા માટે મોટી સંખ્યામાં લોકો શાંતિપૂર્વક જોડાયા, જેવા સરદાર સભામાં પધાર્યા તે સમયે ભારતમાતા, ગાંધીજી અને સરદાર પટેલના જયઘોષના પોકાર પડ્યા. એટલામાં જ મેજીસ્ટ્રેટે ધ્રૂજતા સરદાર પાસે ગયા અને જણાવ્યું કે “રાસ અને તેની આસપાસના પાંચ માઈલના વિસ્તારમાં ભાષણ, સૂત્રો કે સુલેહશાંતિનો ભંગ થાય” તેવા કૃત્યની મનાઈ ફરમાવતી નોટીસ આપી.

સરદારે ગામના લોકોને મનાઈ હુકમની વાત કરી અને જણાવ્યું કે “ મારા ભાષણથી શાંતિનો ભંગ થવાનો સરકારને દર છે, પણ મને પૂછે તો હું જરૂર ખાતરી આપું કે તેમ નહી થાય. સરકારે પૂછવાને બદલે મનાઈ ફરમાવી છે, હું તો ભાષણ કરવાનો જ છું. મને પકડે તો તમે શાંતિ રાખજો. જરાય ગરબડ ના કરશો, બધા જ તમારી જગ્યાએ શાંતિ પૂર્વક બરાબર બેસી રહેજો. બાકી ભગવાન રસ્તો સુઝાડશે. ત્યાર બાદ સરદારે ભાષણ શરૂ કરતાં કહ્યું “ભાઈઓ અને બહેનો” આટલું સંબોધન કર્યું ત્યાં મેજીસ્ટ્રેટે કહ્યું, “નોટિસના ભંગ બદલ મારે આપની ધરપકડ કરવી પડશે.” અને તરત જ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ બિલીમોરીઆ નજીક આવી ધરપકડ કરતાં બોલ્યા “ સાહેબ પેલી મોટરમાં પધારો.” સરદારે બધાને નમન કરી હસ્તે મોંએ મોટરમાં બેઠા કે તરત જ લોકોએ સરદાર અને મહાત્મા ગાંધીજીની જય જયકાર કરી વાતાવરણ ગજવી મૂક્યું. અત્રે નોંધનીય છે કે જે વડ નીચે સરદાર ભાષણ આપવા આવ્યા હતા અને તેમની ધરપકડ થઈ તે આજે પણ રાસ ગામે હયાત છે અને સરદાર વડ કે વલ્લભ વડ તરીકે ઓળખાય છે.

ગાંધીજીની ધરપકડ ન કરવા પાછળ શ્રી વિઠ્ઠલભાઈ પટેલનું દિમાગ કામ કરતું હતું. વિઠ્ઠલભાઈ પટેલ અને વાઈસરોય લોર્ડ ઈરવિન ખુબ સારા મિત્રો હતા અને વિઠ્ઠલભાઈ પટેલ તે સમયની વડી ધારાસભાના પ્રમુખ પણ હતા અને વાઈસરોય વિઠ્ઠલભાઈ પર વિશ્વાસ કરતા હતાં એથી જ વિઠ્ઠલભાઈ એ વાઈસરોયને સલાહ આપી કે, ડોસો આ ઉંમરે દાંડી સુધી ચાલતા જવાનો પરિશ્રમ ઉઠાવી, ત્યાં પહોંચી શકશે કે કેમ તે જ શંકા ભરેલું છે; તો તમારી ધરપકડ કરીને શા માટે કાળી ટીલી લેવી છે? આ સલાહના કારણે જ ગાંધીજીની ધરપકડ ન થઈ હોવાની ચર્ચા તે સમયે હતી. 

ચૌરીચૌરા પછી લોર્ડ બર્કનહેડએ પાર્લામેન્ટમાં અભિમાનથી કહ્યું હતું કે “ગાંધીજીને પકડ્યા છતાં હિન્દુસ્તાનમાં એક કૂતરૂ પણ ભસ્યું નથી; અને અમારો કારવાં સુખેથી આગળ વધી રહ્યો છે.” આનો જડબાતોડ જવાબ આપવાનો વિચાર સરદારના મનમાં ઘોળાયાં કરતો હતો, ગાંધીજીની ધરપકડ થતાં જ આખા દેશમાં સત્યાગ્રહની પાવક જ્વાળા ભભૂકી ઊઠે, અને બધી જ જેલો ઊભરાઈ જાય, એવી પરિસ્થિતિ સર્જાવાની સરદારની તમન્ના હતી, જે તેમના ભરૂચમાં આપેલ ભાષણમાં જણાઈ આવે છે.

No comments

Post a Comment


© all rights reserved
SardarPatel.in