કોઈ સરદાર થૈ જાયે
નજર નાંખો જરા ઝીણવટથી પંચ્યાસીનાં દ્રશ્યો પર, ઘટા ઘેરી છવાઈ છે જીવનનિષ્ઠાના મૂલ્યો પર;
સતત ઘનઘોર અંધારું છે ભારતની ક્ષિતિજો પર; વિચારો રાજસત્તાના બધા સત્તા-સુકૃત્યો પર;
ફક્ત વાતોમાં જનતાને જુઓ, સ્વપના બતાવે છે; હવે સરદાર ભારતને વધારે યાદ આવે છે.
હતી લોખંડની છાતી અને હૈયામાં માનવતા, ધરા ધ્રુજી ઊઠે એવી હતી કદમોમાં નિશ્ચલતા;
વતન કાજે જ જીવન છે, હ્રદયમાં માત્ર એ રટયા; પરોવીઓ એક સૂત્રે દેશને ત્યારે જ એ જંપ્યા;
હ્રદય ભારત જનોના યાદમાં અશ્રુ વહાવે છે; હવે સરદાર ભારતને વધારે યાદ આવે છે.
હજુ ગુર્જરગીરાના રક્તમાં સરદારની ગરિમા, પ્રગટ થૈ જાય તો ભારત તણો ઉધ્ધાર થૈ જાય;
વિઘાતક સૌ બળોને હાર આપી એકતા ગૂંથે; વતનમાં એમના જેવો કોઈ સરદાર થૈ જાય;
અહી મા ભારતીને આતતાયીઓ સતાવે છે; હવે સરદાર ભારતને વધારે યાદ આવે છે.
મનહર ચોક્સી(સુરત) ની સરદાર પટેલને શ્રદ્ધાંજલી
(સરદારની પ્રતિભા કાવ્યોમાં)
No comments
Post a Comment