Constitutional Assembly and Sardar Patel - 2
બંધારણ સભા અને સરદાર પટેલ - ૨
વધુ આગળ : -
સરદાર પટેલે કહ્યું “કોઈ પણ લઘુમતીનું
ભાવિ બહુમતીનો વિશ્વાસ કરવામાં રહેલું છે. અને જો બહુમતીનું વર્તન ખરાબ કરશે તો તેના
માઠા પરિણામ બહુમતીએ ભોગવવા પડશે. શા માટે કોઈ પણ કોમનો માણસ આ દેશનો વડાપ્રધાન ન બને? હું ઈચ્છું છું કે અનુસૂચિત જાતિનો દરેક માણસ પોતાને બ્રાહ્મણ કરતાં ચડિયાતો
ગણે, અથવા તો બધા જ સરખા છે અને એક જ છે તેમ બધા માનવા લાગે.”
દેશી રાજ્યોના વિલીનીકરણની કામગીરી
સરદારે ખુબ જ ધ્યાન પુર્વક અને યોજનાબધ્ધ રીતે દેશી રાજ્યોનો ભારતમાં વિલીન કરાવ્યો.
કેબિનેટ મિશન દરમ્યાન ૧૬ મે ૧૯૪૬ના એક નિવેદનમાં જણાવેલ કે દેશી રાજ્યોને બંધારણસભામાં
પ્રતિનિધિત્વ આપવું અને તે માટેના પ્રતિનિધિઓ પરસ્પર મંત્રણાથી નકકી કરવા. રાજાઓ તરફથી
એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું. બંધારણ સભાએ રાજાઓની સમિતિ સાથે મંત્રણા
કરવા માટે પણ એક સમિતિની રચના કરી અને તે સમિતિના સરદાર પટેલ સભ્ય હતા. રાજાઓની સમિતિએ
બંધારણસભાની સમિતિ પાસે ભારતમાં જોડાવા બાહેધારી માંગતા કહ્યુ કે દેશી રાજ્યોનું અસ્તિત્વ
પહેલાં જેવું જ રહેશે ત્યારે સરદારે કહ્યું આવી કોઈ પણ પ્રકારની બાંહેધરી આપવાની સત્તા
આ સમિતિ પાસે નથી અને બંધારણસભામાં જ આ બાબતે ચર્ચા થઈ શકે, અમારાથી બંધારણસભાના હાથ બાંધી ન શકાય.
દેશી રાજ્યોનું અસ્તિત્વ પ્રજાની શુભેચ્છા હશે તોજ ટકશે, આથી તમે તમારી પ્રજા સાથે મસલત કરીને કોઈ નિર્ણય લેશો.
બંધારણસભા તમારા રાજ્યોની સીમાઓ વધારી આપશે તેવી કોઈ પણ પ્રકારની આશાઓ રાખશો નહી. શરૂઆતમાં
રાજાઓના સાલિયાણા સમયે પણ કેટલાકે વિરોધ કરેલો આ બાબતે સરદારે વિગતે જણાવ્યું કે ભારત
સરકારે વિલીન થયેલ અને એકીકરણમાં સામેલ થયેલાં રાજ્યોના રાજવીઓને વિલીનીકરણનાં કરારની
શરતો સાથે સાલિયાણાં આપવાની બાયધરી આપેલ છે. રાજા અને રાજકુટુંબ માટે મોટી રકમો ખાર્ચાતી
અને આ બધી રકમનો કુલ વાર્ષિક આંકડો આશરે વીસ કરોડ રૂપિયા હતો. અને વિલીનીકરણના કરારનામા
મુજબ સાલિયાણાં રાજવીઓના અને તેમના કુટુંબના તમામ ખર્ચ કાઢવાના જેમા તેમના નિવાસ્થાનો, લગ્નો, અન્ય પ્રસંગોના ખર્ચ આવી જાય. ડો. રાજેંદ્રપ્રસાદ, શ્રી શંકરરાવ દેવ અને ડો. પટ્ટાભી સીતારામૈયાએ
આપેલ ચુકાદા મુજબ રાજ્યની સરેરાશ વાર્ષિક આવકના પહેલાં લાખ રૂપિયા ઉપર ૧૫%, બીજા ચાર લાખ ઉપર ૧૦%, અને પાંચ લાખથી વધુ આવક ઉપર ૭.૫% ગણવામાં
આવે. વધુ માં વધુ રકમ મર્યાદા દસ લાખ રાખવામાં આવી છે. દસ લાખ કરતા વધુ રકમ અમુક જ
રાજ્યોના કિસ્સામાં નક્કી કરવામાં આવેલ છે. અને આ રકમ રાજવીઓનાઅ જીવનકાળ દરમિયાન જ
આપવાની છે. સાલિયાણાંની જવાબદારી વાર્ષિક ૪.૫ કરોડ રૂપિયા થાય છે. અમુક રાજવીઓને તેમનાં જીવનકાળ દરમિયાન આપવાની રકમ પાછળથી નક્કી કરવામાં આવશે ત્યારે
આ રકમ વાર્ષિક ૪.૫ કરોડથી ઓછો જ થશે.
બંધારણસભામાં એક બહુ ચર્ચિત મુદ્દો ભારતીય સનદી સીવા અધિકારીઓ અને ભારતીય પોલીસ સેવાના અધિકારીઓનો હતો. જેમાં સ્વતંત્ર ભારતમાં આ અધિકારીઓનું સ્થાન શું હોવું જોઈએ તે એક મહત્વનો મુદ્દો હતો. સરદાર મુજબ અમુક અંગ્રેજ નોકરિયાતોને ભારત સરકાર પસંદ કરશે અને હિંદી અધિકારીઓની નોકરીઓ ભારતમાં ચાલુ જ રહેશે. બ્રિટિશ સરકારે એમ માની લીધેલ કે અંગ્રેજ અને હિંદી સનદી અધિકારીઓ સત્તા હસ્તાંતરણના કારણે છુટા થશે અને તેમની માંગણી તેઓને કરાર મુજબ પેંશન વગેરે લાભ આપવા ઉપરાંત બાકી રહેલ વર્ષો માટે વળતર પણ આપવું. વેવેલ સાથેની મુલાકાત દરમ્યાન સરદારે આવા વળતરની વાતનો વિરોધ કરેલ અને તે માઉંટબેટન પછી પણ આ વિવાદ ઊભો જ હતો. દેશ હિંદી સનદી અધિકારીઓનો પણ છે. દેશનું સર્વોચ્ચ વહીવટી માળખું ચાલુ રાખવુ તે તેમની ફરજ છે અને દેશને આ અધિકારીઓની જરૂર છે. તેમ છતાં જે અધિકારીઓ સામે ચાલી છુટા થવા ઇચ્છતા હોય તેમને વળતર આપવાનો સવાલ જ નથી. સરદારે એ પણ સ્પષ્ટતા કરી કે બ્રિટિશ સરકારે જે શરતોએ તેઓને નોકરીએ રાખ્યા તે તમામ શરતો ભારત સરકાર સ્વીકારશે અને શરતો મુજબ તેમના તમામ લાભ અને હક્ક ચાલુ રહેશે. જે સનદી અધિકારીઓ છુટા થવા ઇચ્છતા હોય તેઓને ભારત સરકાર નહી પરંતુ બ્રિટિશ સરકાર વળતર આપે એમ સમાધાન પણ થયુ. બંધારાણમાં કોઈ પણ ખિતાબ ન આપવો તેવી સભ્યોએ માંગ કરી અને સરદાર પટેલ પણ તે માંગણીને ટેકો આપ્યો. તેમના મુજબ ખિતાબોનો ઉપયોગ જાહેર જીવનને દુષિત કરવા માટે જ થાય છે. આ અંગેની કલમ નિષેધાત્મક રીતે મૂળભૂત અધિકારોના ખંડમાં જ સમાવેશ થાય તે જ ઉચિત છે. જે લોકો ને અંગ્રેજોએ ખિતાબ આપેલા છે તે બાબતે સરદાર પટેલે કહ્યુ કે બ્રિટિશ સરકારોના આપેલ ખિતાબોનું મહત્વ આઝાદી પછી રહ્યું નથી આથી થોડા લોકો પાસે ખિતાબો રહી ગયા હોય તો મૂઆ એ ખિતાબો જોડે બાંધી ને છોને લઈ જતા. હકીકતમાં ખિતાબો ન અપવાની કલમનો આશય તો ભવિષ્યમાં કોઈ સરકાર પોતાને જ વફાદાર એવી નાગરિકોની જમાત ઊભી કરી શકે તે રિવાજને ઊગતી ડામવાનો છે.
સંદર્ભ :
સરદાર વલ્લભભાઈ પટેલ – યશવંત દોશી.
સંબંધિત ભાગ પહેલો - Constitutional Assembly and Sardar Patel - બંધારણ સભા અને સરદાર પટેલ
No comments
Post a Comment