ð અંતિમ દિવસોમાં સરદાર સાહેબે એન. વી. ગાડગીલ પાસે શું વચન લીધું
હતું.
ð સરદાર સાહેબના પૈત્રુક વતન કરમસદ બાબતે આદરણીય વડાપ્રધાન નરેંદ્રભાઈ
મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે વર્ષ ૨૦૦૬, ૨૦૧૦ અને ૨૦૧૨ દરમ્યાન રાષ્ટ્રીય પ્લાનીંગ કમિશનમાં શું માંગણી
કરેલ?
ð કરમસદ સ્થિત સરદાર સાહેબના પૈત્રુક ઘરની સાર સંભાળ રાખનાર સરદાર પટેલ ટ્રસ્ટ બાબતે સંસદમાં થયેલ ચર્ચાઓ
આજે ૧૫-૧૨-૨૦૨૧ ભારત રત્ન શ્રી સરદાર પટેલની પુણ્યતિથિ, સરદાર સાહેબે પોતાના કાર્યોથી આઝાદી પછી ખુબ ટુંકા સમયમાં ભારતની વિશ્વ ફલક પર નોંધ લેવાઈ, સરદાર પટેલ પોતાના અંતિમ સમય સુધી કાર્યરત રહ્યા અને દેશ સેવા કાજે સમર્પિત રહ્યા. એન. વી. ગાડગીલે તેમના પુસ્તક ગવર્ન્મેંટ ઈનસાઈડમાં નોંધ્યુ છે કે એક સમય હતો કે જ્યારે લોકો મુક્તપણે કહેતા હતા કે કેબિનેટ બે જુથો વચ્ચે વિભાજિત થયેલ છે, એક જુથ વલ્લભભાઈની આગેવાની હેઠળ અને બીજુ જુથ નહેરૂની આગેવાની હેઠળ, પરંતુ હકીકતમાં આવા કોઈ જુથો નહોતા. ૧૧ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદાર સાહેબના સચિવ શંકર નો ફોન એન. વી. ગાડગીલ પર આવ્યો અને જણાવ્યું કે સરદાર સાહેબ તેમને મળવા માંગે છે. આથી ૧૨ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ એન. વી. ગાડગીલ સરદાર સાહેબને મળ્યા હતા. મુલાકાત દરમ્યાન સરદાર સાહેબે ગાડગીલને જણાવ્યું કે “હવે હું જઊ છું.” તેમણે હળવી મુસ્કાન સાથે કહ્યું કે “હવે હું વધારે નહી જીવી શકું. તમે મને એક વચન આપો કે હું જે કહીશ તેનું તમે પાલન કરશો.” ગાડગીલે જણાવ્યું કે “પહેલાં મને કહો તો ખરા કે વાત શું છે.” પરંતુ સરદાર સાહેબ મારી સામે જોઈ ને જાણે વિચારતા હોય કે જાણે હું તેમને વચન નહી આપુ આથી તેમણે વચન માટે સતત આગ્રહ રાખ્યો. તેમના દિકરા ડાહ્યાભાઈ આ બધુ દરવાજે ઊભા રહી સાંભળતા હતા. જેવું મે સરદાર સાહેબને વચન આપી તેમની વાત માનવાની હામી ભરી કે તરત તેમણે મારો હાથ તેમના હાથમાં લઈ કહ્યું કે “તમારે નહેરૂ સાથે ગમે તેટલા મતભેદ હોય પરંતુ તમે તેમને છોડશો નહી.” મે તેમને ફરીવાર હા કહ્યુ અને સરદાર સાહેબની જાણે અંતિમ ઈચ્છા હોય તેમ તેઓને જાણે રાહત થઈ તેમ લાગ્યું. અને આખરે ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ તેઓએ આ દુનિયાને અંતિમ વિદાય આપી. તેમના મૃત્યુ બાદ મને જાણવા મળ્યું કે સરદાર પટેલે જગજીવન રામ, મુંશી,અને બલદેવ સિંહને જણાવ્યું હતુ કે તમે ગાડગીલની સલાહ મુજબ અનુસરજો.
સરદાર સાહેબને અન્યાયની વાતો તો ઘણી કરી અને ઘણીવાર આવી બાબતોને તુલ મળતું રહ્યુ અને તે બાબતે પડકારો પણ મળતા રહ્યાં પરંતુ આજે આપણે સરદાર સાહેબના વતન કરમસદને વારંવાર થતા અન્યાય વિશે વાત કરીએ, સરદાર સાહેબની પુણ્યતિથીએ તેમના પૈત્રુક વતનના વિકાસ અને તેના પૈત્રુક ઘરની સારસંભાળ બાબતે ઘણી રજુઆતો થવા છતાં પરિણામ શુન્ય. કરમસદ ગામનો રાજકીય ઉપયોગ ઘણો જ થતો રહ્યો છે. ચુંટણી ટાણે તો જાણે કરમસદ અને ચરોતરની ભુમિ તો એક રાજકીય તીર્થ સમાન બની રહે છે. અનેક સભાઓ, અનેક નેતાઓની મુલાકાતો, તેમના થકી થતા વાયદાઓ વગેરે નજરોનજર જોયા અને સાંભળ્યા છે. આજે તેમની પુણ્યતિથિના દિવસે થોડી વાત તેમના પૈત્રુક વતન કરમસદ બાબતે પણ કરવી જરૂરી છે. વર્ષ ૨૦૦૬માં ૫૨મી રાષ્ટ્રીય ડેવલોપ્મેંટ કાઉંસિલમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેંદ્રભાઈ મોદી (આદરણીય વડાપ્રધાન)એ JnNURM યોજનામાં સરદાર પટેલના વતન કરમસદ અને ગાંધીજીના વતન પોરબંદરને સમાવવા માટે રજુઆત કરી. વર્ષ ૨૦૧૦માં પણ કરમસદ અને ગાંધીનગરને JnNURM યોજના હેઠળ આવરી લેવા રજુઆત કરતા કહ્યું કે રાજ્ય સરકારે JnNURM યોજના હેઠળ સક્રિય પણે ભાગ લીધો છે, જેમા ૮૦ થી વધુ યોજના અને આશરે રૂ. ૭૦૦૦ કરોડ ચાર મિશનમાં ખર્ચ શહેરોમાં કરવામાં આવેલ છે. તાજેતરમાં પોરબંદરનું નામ JnNURM યોજનામાં પાંચમું શહેર બન્યું છે. અમે ભારત સરકારને વિનંતી કરીએ છે કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કરમસદનો સમાવેશ આ યોજના હેઠળ થાય તેની વિનંતી ફરી એકવાર કરીએ છીએ. વર્ષ ૨૦૧૨માં ફરી એકવાર તેમણે જણાવ્યું કે છેલ્લા છ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં પાટનગર ગાંધીનગર અને સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ ટાઉનનો JnNURM હેઠળ સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ સમયાંતરે કરમસદને દેશના નક્શા પર આગવું સ્થાન મળે તે માટે રજુઆતો થતી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે મહાન વ્યક્તિએ એટલે કે સરદાર પટેલે આઝાદી પછી ભારતના નક્શાને આકાર આપ્યો અને જિન્હાના ખંડિત ભારતના સ્વપ્નને રગદોડી અખંડ ભારતની રચના કરી તેવા વ્યક્તિના પૈત્રુક વતનને ભારતના નક્શા પર આગવુ સ્થાન નથી મળી રહ્યું.
સરદાર સાહેબના યાદગાર સ્થળો બાબતે સંસદમાં ચર્ચાઓ તો કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ ઘણી થઈ અને ભાજપની સરકાર છે તે સમયે પણ ચર્ચાઓ થઈ અને આથી જ આ ચર્ચાઓના અમુક અંશો આજે વાગોળવાનું મન થઈ રહ્યું છે. જે સાંસદોએ આ ચર્ચાઓ કરી તેમને સાચેજ બિરદાવવા જોઈએ પરંતુ આજે પણ આ ચર્ચાઓ ફક્ત અને ફક્ત ચર્ચાઓ જ બની રહી. આ ચર્ચાઓને આકાર ન મળ્યો. સંસદમાં વર્ષ ૨૦૦૭ દરમ્યાન વડોદરાના સાંસદ એવા જયાબેન ઠક્કરે (ભાજપ) ૧૪-૦૮-૨૦૦૭ના દિવસે સંસદમાં પ્રશ્નોત્તરી દરમ્યાન જણાવેલ કે સરદાર પટેલ મેમોરિયલ – કરમસદને તેના નિભાવ અને અન્ય ખર્ચને પહોચી વળવા રૂ. ૫૦૦ કરોડની સહાય કોરપસ ફંડ તરીકે જરૂરી છે. આથી હું ભારત સરકારને વિનંતી કરૂ છું કે સરદાર પટેલ મેમોરિયલ માટે આ ફંડની ફાળવણી વહેલાંમાં વહેલી તકે થાય. આવી જ એક રજુઆત વડોદરાના સાંસદ બાલકૃષ્ણ ખાંડેરાવ શુક્લાએ (ભાજપ) તા. ૧૮-૦૮-૨૦૧૧ના રોજ જણાવેલ કે ગુજરાત સરકારે ૨૦૦૬માં કેંદ્ર સરકારને સરદાર પટેલ મેમોરિયલ – કરમસદ ખાતે નેશનલ રીસોર્સ સેંટર બને અને ત્યાં સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલની બધી જ જાણકારી ઉપલબ્ધ થઈ શકે તે માટે ૫ કરોડ કોરપસ ફંડની ફાળવણી કરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ તો હું આ બાબતે ભારત સરકારને વિનંતી કરૂ છું કે આ ફંડની ફાળવણી કરવામાં આવે. આભાર. આજ રીતે તા. ૦૮-૦૭-૨૦૧૪ના રોજ અહેમદનગરના (મહા.) સાંસદ દિલિપકુમાર મનસુખલાલ ગાંધી (ભાજપ)એ નવી દિલ્હી સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાવ બાબતે જણાવ્યું કે સરદાર પટેલનું દિલ્હી સ્થિત ૧ ઔરંગઝેબ રોડ પર આવેલ નિવાસસ્થાનને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવા બાબતે સમયાંતરે માંગ થતી રહી છે. અને આજ સુધી રાષ્ટ્રના શિલ્પીના કાર્યોને નજરઅંદાજ કરી તેમના કાર્યોને મહત્વ નથી અપાતું. આથી રાષ્ટ્ર પ્રતિ પ્રેમ રાખનાર લોકોને દુ:ખ થાય તે સ્વાભાવિક છે. આથી આ દર્દને દુર કરવા માટે સરદાર પટેલના કાર્યોને નવી પેઢીને જાણકારી મળતી રહે તે માટે તેમના દિલ્હી સ્થિત ઘરને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવે. તા. ૩૧-૦૭-૨૦૧૫ના રોજ મિર્ઝાપુરના (ઉ. પ્ર) સાંસદ અનુપ્રિયા પટેલ (અપના દલ – ભાજપ સહયોગી)એ જણાવ્યું કે હું એન.ડી.એ સરકારને વિનંતી કરૂ કે સરદાર પટેલનું ૧ ઔરંગઝેબ રોડ, દિલ્હી સ્થિત નિવાસસ્થાન ભારત સરકાર પોતાના હસ્તક લે અને તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે નિર્માણ કરે. આભાર.
સરદાર સાહેબને
અન્યાય થયો કે નથી થયો તે વાત કરતા પણ પહેલાં આપણે વિચારવું જોઈએ કે સરદાર સાહેબના
યાદગાર સ્થળોને કેવીરીતે વિક્સાવી શકીએ. જેથી આવનાર પેઢી તેમના વિશે વધુ ને વધુ જાણકારી
મેળવી શકે.
No comments
Post a Comment