Vallabhbhai's Patriotism
Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ
શ્રી અમૃતલાલ
યાજ્ઞિકે સરદારની ઝાંખી ખુબ સરસ રીતે વર્ણવી છે. સરદાર પટેલ રાષ્ટ્રપ્રેમી, અનોખી વ્યવસ્થાશક્તિવાળા અને વ્યવહારુ દ્રષ્ટિએ સ્થિતિ પારખી લઈ તુરત નિર્ણય
લેનાર રાજપુરુષ હતા. કાશ્મીર, જુનાગઢ અને હૈદ્રાબાદ સામે જે પગલાં
લેવાની જે હિંમત તેમણે દેખાડી તેના લીધે રાષ્ટ્રના ઇતિહાસમાં તેઓ હંમેશા અમર થયા.
સરદાર ગાંધીજીના
વફાદાર સેવક હતા ને ગાંધીજીની ભાવનાના રંગે રંગાયા હતા, છતાં તેમની નિજી પ્રતિભા કાર્યશીલ રહેતી હતી તે હકીકત છે. પાકિસ્તાન વિશે ગાંધીજી
સિધ્ધાંતોને વળગીને વિચારતા જ્યારે સરદાર વ્યવહારુ નજરે વિચારતા, આથી મતભેદને અવકાશ મળે જ, છતાં સમગ્ર જીવન ગાંધીજીના
મૂલ્યોના રંગે રંગાયેલા રહ્યા. તેમણે તેમના પુત્ર ડાહ્યાભાઈને એક પત્ર લખેલ તે આ બાબતને
સ્પષ્ટ કરે છે.
તેઓ લખે છે
કે : “તમે ઓફિસમાં જે પત્રો લખો છો તેમાં ભાષા ઉગ્ર અને સામાને માઠું લાગે તેવી હોય
છે. હકીકતમાં તો આપણાથી નાના માણસો હોય તેમની સાથે મીઠાશથી અને આદર પુર્વક કામ લેવું
જોઈએ. કોઈને માઠું લાગવા જેવું કાંઈ લખેલ હોય તો માફી માંગજો અને તેમને પ્રેમ સંપાદન
કરજો. મારો સ્વભાવ પણ કડક હતો, પણ મને એ વિશે ખુબ પસ્તાવો થયો છે. અનુભવથી
તમને લખું છુ.”
આ પત્રમાં
સરદારનું પોતાનાથી નાન વ્યક્તિઓ કે માણસો પ્રત્યેનો આદર અને પ્રેમાળ દિલની ઝાંખી થાય, સાથે સાથે તેઓ પોતાના પુત્રને પણ આજ રીતે વર્તવું તે સમજાવે છે. આમ એક વાત
તો ચોક્કસ પણે કહી શકાય કે સરદાર પટેલનું વ્યક્તિત્વ કડક હોવા છતાં તેઓ કોમળ હ્રદયના
પણ હતા.
સરદાર પટેલ
કર્મવીર હતા, ફક્ત મોટી મોટી વાતો કર્યા કરનાર પ્રત્યે તેમને
હંમેશા અનાદર રહ્યો. ગાંધીજી ૧૯૧૫માં હિંદુસ્તાન આવ્યા ત્યારે તેમની ઘણી પ્રતિષ્ઠા
હતી. ગાંધીજી આશ્રમ કાઢવાના હતા, ત્યારે ગુજરાત કલબમાં તેમનું
પ્રવચન હતું તે સમયે સરદાર ગુજરાત ક્લબમાં જ બ્રિજ રમતા હતાં. કોઈએ કહ્યુ કે ગાંધીજીનું
પ્રવચન સાંભળવા જઈએ તો સરદાર પટેલે કહ્યુ એમાં શું સાંભળવાનું છે? તે સમયે ત્યાંના લોકોને ક્યાં ખબર હતી કે વલ્લભભાઈ ગાંધીજીના શિષ્ય બનશે?
કોઈએ પણ ધાર્યુ નહોતું તેઓ સ્વાતંત્ર્યસંગ્રામના સેનાપતિ અને સરદાર બનશે?
જ્યારે સરદારે જાતે જોયું કે ગાંધીજી અન્યાય સામે લડનાર વીરપુરુષ છે
ત્યારે સરદારે પોતાની ખુમારી અને ખમીર સાથે ગાંધીજી સાથે જોડાયા અને પોતાની ઠાઠની જીંદગીને
અલવિદા કહી એક સામાન્ય પુરુષ બની ગાંધીજીના અનુયાયી બન્યા.
બારડોલી સત્યાગ્રહની
લડત પછી ગાંધીજીએ કહ્યું કે : “સેનાપતિની ચતુરાઈ પોતાનુ કારભારીમંડળ પસંદ કરવામાં રહી
છે. મને વિચાર આવ્યો કે ઉપસેનાપતિ કોણ થશે? ત્યાં મારી નજર વલ્લભભાઈ પર પડી. મેં તેમની
પહેલી મુલાકાત લીધી ત્યારે એમ થયું કે આ અક્કડ પુરુષ તે કોણ હશે? એ શું કામ કરશે? પણ જેમ જેમ હું એમના વધારે પરિચયમાં
આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો
જે કામ થયું છે તે ન જ થાત.”
સરદારે બારડોલી સત્યાગ્રહ વખતે કરેલ ભાષણોએ ખેડુતોના ખમીર જગાડી દીધા. જે રીતે બહારવટિયા બાબર દેવાને સંદેશો આપ્યો તેવો સંદેશો કોઈ ઢીલા વ્યક્તિનું કામ નહોતુ. તેમણે બાબર દેવાને જાહેરમાં ભાષણ દરમ્યાન સંદેશો આપ્યો કે “બાબર દેવાને તમારામાંનો કોઈ પણ જાણતો હોય, કોઈને પણ તેની સાથે ભેટો કરવાનો કે વાતો કરવાનો પ્રસંગ આવે તો તેને કહેજો કે તારું બહારવટું એ બહારવટું નથી. બંદૂકડી લઈને ભાગતા ફરવું અને નિર્દોષોને લૂંટવા અને મારવા એમાં બહારવટું નથી. સાચા બહારવટિયાને તો હથિયારની જરૂર નથી. બહારવટું તો ઢસાના દરબારનું છે. બહારવટું તો ગાંધીજીનું છે. જે માણસ નિશસ્ત્રને સતાવે, લોકોને લૂટે અને ખૂનો કરે તે તો માણસકોમને કલંકરુપ છે.” આવુ હિંમતભર્યુ ભાષણ સાંભળીને તો લોકોમાં અનેરી શક્તિનું સિંચન થયુ.
આવા સરદાર આપણા હતા.
સરદાર શતાબ્દી
સ્મારક ગ્રંથ – જશવંત શેખડીવાલા
No comments
Post a Comment