ગાંધીજીનું છેલ્લું વસિયતનામું
વિધિનિર્મિત ના શુક્રવારના લેખમાં જેનો ઉલ્લેખ કરેલ છે તે કોંગ્રેસના બંધારણનો ખરડો નીચે આપ્યો છે. ગાંધીજીના અવસાનને કારણે એ હિંદની પ્રજા માટેનું તેમનું છેલ્લું વસિયતનામું બની ગયુ છે. – પ્યારેલાલ
ભાગલા પડ્યા
છતાં હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસે યોજેલા સાધનો દ્વારા હિંદે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત
કરી હોવાથી આજના સ્વરૂપની કોંગ્રેસનો એટલે કે પ્રચારના વાહન અને ધારાસભાની પ્રવૃત્તિ
ચલાવવાના તંત્ર તરીકેનો તેનો ઉપયોગ હવે પુરો થયો છે. શહેરો અને કસબાઓથી ભિન્ન એવા તેના
સાત લાખ ગામડાંઓની દ્રષ્ટિથી હિંદની સામાજિક, નૈતિક અને આર્થિક સ્વતંત્રતા સિધ્ધ કરવાની હજી
બાકી છે. લોકશાહીના લક્ષ્ય તરફની હિંદની પ્રગતિ દરમ્યાન લશ્કરી સત્તા ઉપર સરસાઈ સ્થાપવા
માટેની મુલકી સત્તાની ઝુંબેશ અનિવાર્ય છે. એને રાજકીય પક્ષો અને કોમી સંસ્થાઓ સાથેની
અઘટિત સ્પર્ધાથી અળગી રાખવી જોઈએ. આ અને એવાં બીજા કારણોને લઈને નીચેના નિયમો અનુસાર
મહાસમિતિ કોંગ્રેસની વર્તમાન સંસ્થાને વિખેરી નાખવાનું અને લોકસેવક સંઘને સ્વરૂપે પ્રગટ
થવાનું ઠરાવે. પ્રસંગ અનુસાર એ નિયમોમાં ફેરફારો કરવાની એ સંઘને સત્તા હોય.
ગ્રામવાસી હોય એવાં અથવા ગ્રામવાસીના માનસવાળાં પુખ્ત વયનાં પાંચ સ્ત્રીપુરુષોની બનેલી પ્રત્યેક પંચાયત એક ઘટક બનશે. પાસપાસેની આવી પ્રત્યેક બે પંચાયતોની તેમનામાંથી ચૂંટી કાઢેલા એક નેતાની દોરવણી નીચે કાર્ય કરનારી મંડળી બને.
આવી સો પંચાયતો બને ત્યારે પ્રથમ કક્ષાના પચાસ નેતાઓ પોતાનામાંથી એક બીજી કક્ષાનો નેતા ચૂંટે અને એ રીતે પહેલી કક્ષાના આગેવાનો બીજી કક્ષાના આગેવાનની દોરવણી નીચે કાર્ય કરે. આખો હિંદ આવરી લેવામાં આવે ત્યાં સુધી બસો પંચાયતનાં આવા જોડકાં રચ્યે જવામાં આવે અને પછી રચાતું પંચાયતોનું પ્રત્યેક જૂથ પહેલાની જેમ બીજી કક્ષાનો નેતા ચૂંટ્યે જાય. બીજી કક્ષાના નેતાઓ સમગ્ર હિંદને માટે એકત્ર રીતે કાર્ય કરે અને પોતપોતાના પ્રદેશોમાં અલગ અલગ કાર્ય કરે. તેમને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે બીજી કક્ષાના નેતાઓ પોતાનામાંથી એક વડો ચૂંટી કાઢે. તે એને ચૂંટનારાઓ ચાહે ત્યાં સુધી બધા જૂથોને વ્યવસ્થિત કરે તેમ જ તેમની દોરવણી કરે.
(પ્રાંતો અથવા વિભાગોની છેવટની રચના હજી નક્કી થઈ ન હોવાથી આ સેવકોના જૂથને પ્રાંતિક યા વિભાગીય સમિતિઓમાં વહેચવાનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો. અને સમગ્ર હિંદમાં કાર્ય કરવાનો અધિકાર કોઈ પણ સમયે રચવામાં આવેલાં જૂથ કે જૂથોમાં પ્રતિષ્ઠિત થાય છે. સેવકોના આ સમુદાયને અધિકાર અથવા સત્તા – જેની તેમણે સ્વેચ્છાપૂર્વક અને ડહાપણ ભરી રીતે સેવા કરી છે એવા તેમના સ્વામી એટલે કે સમગ્ર હિંદની પ્રજા પાસેથી મળે છે.)
૧) પ્રત્યેક સેવક
જાતે કાંતેલા સૂતરની અથવા ચરખા સંઘની પ્રમાણિત ખાદી હમેંશા પહેરનારો અને માદક પીણાં
ન પીનારો હોવો જોઈએ. જો તે હિંદુ હોય તો પોતે તથા પોતાના કુટુંબમાંથી હરકોઈ સ્વરૂપની
અસ્પૃશ્યતા તેણે દૂર કરી હોવી જોઈએ, કોમકોમ વચ્ચેની એકતાના, સર્વધર્મ પ્રત્યેનો સમભાવના તથા જાતિ, ધર્મ કે સ્ત્રીપુરુષના
કશાયે ભેદભાવ રહિતની સૌને માટેની સમાન તક અને દરજ્જાના આદર્શમાં માનતો હોવો જોઈએ.
૨) તેના કાર્યક્ષેત્રમાંના
પ્રત્યેક ગ્રામવાસીના અંગત સંસર્ગમાં તેણે રહેવું જોઈએ.
૩) ગ્રામવાસીઓમાંથી
તે કાર્યકર્તાઓ નોંધશે અને તેમને તાલીમ આપશે. એ બધાનું તે પત્રક રાખશે.
૪) તે તેના રોજેરોજનાં
કામની નોંધ રાખશે.
૫) પોતાની ખેતી
તેમજ ગૃહઉદ્યોગો દ્વારા ગામડાંઓ સ્વયંપૂર્ણ બને તે રીતે તેમને સંગઠિત કરશે.
૬) ગ્રામવાસીઓને
તે સફાઈ તેમ જ આરોગ્યનું શિક્ષણ આપશે તથા તેમનાં માંદગી અને રોગો અટકાવવાના બધા ઉપાયો
લેશે.
૭) હિંદુસ્તાની
તાલીમી સંઘની નીતિ અનુસારની નવી તાલીમને ધોરણે તે જન્મથી મરણૅ પર્યતની સઘળા ગ્રામવાસીઓની કેળવણીનો પ્રબંધ કરશે.
૮) જેમના નામ
સરકારી મતદાર પત્રકોમાં નોંધાવા રહી ગયા હોય તેમના નામો તે તેમાં નોંધાવશે.
૯) જેમણે મતાધિકારના
હકને માટેની જરૂરી યોગ્યતા હજી પ્રાપ્ત કરી ન હોય તે પ્રાપ્ત કરવા માટે તેમને તે પ્રોત્સાહન
આપશે.
૧૦ ઉપર જણાવેલા
અને વખતોવખત જે બીજા ઉમેરવામાં આવે તે હેતુઓ સાધવાને માટે યોગ્ય ફરજ બજાવવા માટેના
સંઘે ઘડેલાં ધારાધોરણો અનુસાર તે પોતે તાલીમ લેશે અને યોગ્ય બનશે.
સંઘ નીચેની
સ્વાધીન સંસ્થાઓને માન્યતા આપશે.
૧) અ. હિ. ચરખા સંઘ
૨) અ.
હિ. ગ્રામઉદ્યોગ સંઘ
૩) હિંદુસ્તાની
તાલીમી સંઘ
૪) હરિજન
સેવક સંઘ
૫) ગૌ
સેવા સંઘ
નાણા બાબતે સંધ પોતાનું ધ્યેય પાર પાડવાને અર્થે ગ્રામવાસીઓ અને બીજાઓ પાસેથી નાણા ઊભા કરશે. ગરીબ માણસોનો પાઈ પૈસો ઉઘરાવવા ખાસ ભાર મૂકવામાં આવશે.
૨૯-૦૧-૧૯૪૮
મોહનદાસ કરમચંદ ગાંધી.
સંદર્ભ : હરિજન બંધુ – ૧૫-૦૨-૧૯૪૮