Sardar Patel's Important Role in Borsad Satyagraha
બોરસદ સત્યાગ્રહમાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા - ૧
સરદારશ્રીના જીવન ચરિત્ર માં બોરસદ સત્યાગ્રહ એક મહત્વનો ભાગ ભજવ્યો છે, આ સત્યાગ્રહ થકી સરદાર શ્રી જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની હિંમત પણ આપી. આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા. તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!
બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો. તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો, તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”
બોરસદની આ લડત બાદ આશરે ચારેક વર્ષ પછી બારડોલીનો સુપ્રસિદ્ધ સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહથી શ્રી વલ્લભભાઈ ને સરદાર તરીકે દેશના ખૂણે ખૂણે લોકો જાણતા થયા તથા તેમનું નામ દેશના નેતાઓની પ્રથમ યાદીઓમાં ધડકવા લાગ્યું. બારડોલી સત્યાગ્રહ વિક્રમ સર્જ્યો તેના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ માં રોપાયા હશે અને આથી જ દેશને સરદાર મળ્યા. બોરસદ સત્યાગ્રહ આશરે દોઢ માસ સુધી ચાલ્યો, અને આ સત્યાગ્રહનો ખૂબ ટૂંકો ગાળો હતો, જેથી તેને દેશમાં નહીં પરંતુ તે સમયના મુંબઇ રાજ્યમાં પણ પ્રસિદ્ધિ ન મળી. લોકો જાણે સમજે કે બોરસદમાં શું થઈ રહ્યું છે તે પહેલા તો લડત નો સંપૂર્ણ વિજય થયો.આ લડતનો વિજય કેટલો જ્વલંત હતો તે વિશે ગાંધીજીએ નવજીવન માં તારીખ ૬ એપ્રિલ ૧૯૨૪ ના રોજ લખેલ લેખ વાંચવા જેવો છે. ગાંધીજી એ લખેલ આ લેખના અમુક મહત્વના મુદ્દા દરેક ગુજરાતીઓએ જાણવા જેવા ખરા. ગાંધીજી લેખની શરૂઆતમાં લખેલ કે ગુજરાતના છેલ્લા બે વર્ષના ઇતિહાસ ગુજરાતીને શોભાવે તેવા હતા, જે ગુજરાતને શોભાવે તે હિન્દુસ્તાનને શોભાવે. વલ્લભભાઈની કાર્યદક્ષતા દરેક જગ્યાએ જોઈ શકાય છે અને તેમના જેવા જ તેમના સાથીઓ. બોરસદ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ઘણેઅંશે ચડી જાય તેવી છે. ખેડા સત્યાગ્રહ ની જીત માન ની હતી, જ્યારે બોરસદ સત્યાગ્રહ માં માન અને અર્થ બંને સચવાયા.
આ લડત પછી વલ્લભભાઈ પટેલ ગુજરાતના સૂબા તરીકે ઓળખાયા. તે સમયે તો બોરસદ તાલુકામાં ડાકુઓ નો ત્રાસ ખૂબ જ વધેલો હતો. સાંજના પાંચ વાગ્યા પછી કોઈ બહાર જવાની હિંમત પણ ન કરે, પરંતુ આ ત્રાસ વધારવામાં સરકારનો પણ એટલો જ હાથ હતો. સરકારે બાબરદેવા નામના ધાડપાડુને પકડવા અલી નામના ધાડપાડુ ને બંદૂક અને કારતૂસો પૂરા પાડ્યા. અલી ને પોલીસ નું રક્ષણ મળ્યું અને ઉપરથી સરકાર લોકો ઉપર દોષારોપણ કરે કે લોકો બહારવટિયાઓને સંઘરે છે અને તે માટે સરકારી નોકરો ને બાદ કરતા ૧૬ વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો પર વેરો નાખી, અને એટલે જ લોકો આ વેરાને હૈડિયાવેરો કહેતા.
મહી સાગરના કાંઠે ઘણા કોતરો બનેલા છે જેમાં ચોર અને બહારવટિયાઓ લોકોની નજરે આવ્યા વગર સહેલાઇથી સંતાઈ શકતા હતા, આ કોતરો ના કારણે તેમને પકડવા પણ મુશ્કેલ હતા.જેમ જેમ અંગ્રેજ હકૂમત નો વ્યાપ આ દેશમાં વધતો ગયો તેમ તેમ રાજા રજવાડા અંગ્રેજ રાજ સામે શરણાગતિ સ્વીકારી લીધી, તથા તેમાંના કેટલાક રાજવીઓએ અંગ્રેજોની આધીનતા સ્વીકારી અને પોતાના રાજપાટ સાચવી લીધા. આના લીધે રાજ રજવાડા માં સિપાઈ કે બીજી અન્ય રોજગાર નું કામ ઓછું થતું ગયું જેનો આંચકો પ્રજાને સહન કરવો પડ્યો. તથા લોકોનું બીજુ ભરણપોષણના સાધન તરીકે ખેતી હતી, પરંતુ પ્રજા ઘણી ભોળી અને અભણ હોવાના કારણે તથા સિપાઈગીરી કરી હોવાના કારણે કેટલેક અંશે ખર્ચાળ અને આળસુ બની ગયેલા. અને દારૂ તથા અફીણની લતે ચડી ગયેલા જેથી ખેતીનું કામ ભાગ્યે જ સારું હતું પરિણામે દેવું વધી જતું.
પ્રજાનું સાચું દુઃખ તો આર્થિક સંકડામણ હતું, અને તેમાં બળતામાં ઘી હોમાતું હોય તેમ અંગ્રેજોનો ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ, જેના કારણે બ્રિટિશ સરકારે ખેડા જિલ્લાની આખી ઠાકોર કોમને આ કાયદો લાગુ પડાયો, જેમાં તમામ પુખ્ત વયના લોકો પુરુષો તથા સ્ત્રીઓ બધા જ ને સવાર-સાંજ પોલીસ થાણે હાજરી આપવા જવું પડતું. કોઈ સ્થળે ગુરુઓ કે લૂંટફાટ થઈ હોય તો આ લોકોમાંથી કેટલાય લોકો પર કેસ કરવામાં આવતા. જે લોકો જામીન ન લાવી શકે તેવા નિર્દોષ લોકોને પણ જેલમાં જવાનો વારો આવતો. આવી હેરાનગતિના કારણે લોકો નાસી છુટતા અને ચોરી તથા લૂંટફાટના રવાડે ચડી જતા.
ક્રમશ:
No comments
Post a Comment