Bardoli Satyagrah - Schools and Farmers | Vithalbhai Patel, Sardar Patel

Bardoli Satyagrah - Schools and Farmers


Bardoli Satyagraha - Schools and Farmers

નિશાળો અને ખેડુતો

સરકારની મહેરબાનીથી મળતું શિક્ષણ એ શિક્ષણ નથી, પણ અશિક્ષણ છે.

બારડોલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ખાતેદારોનાં બાળકો લોકલફંડ ભર્યાનું સર્ટિફીકેટ રજૂ કરે તો તેમની પાસે માસિક એક આનો સીધો આવે છે અને બિનખાતેદારો પાસેથી છ આના લેવામાં આવે છે. ચાલુ સાલે જમીનમહેસુલની તકરારને લીધે મહેસુલ અને લોકલફંડ બાકીમાં રહેલાં છે. તે તકરારનો નિકાલ થયે ભરવાનાં તો છે જ, છતાં આડકતરી રીતે દબાણ કરી મહેસુલ ભરાવવાના જે અનેક કિસ્સા બનેલા છે તેમાં હમણાં નંબર એકસો એકથી ઓળખાતા મોતાના પ્રખ્યાત તલાટી ઉમાશંકરે પોતાની બાહોશીથી એક નવો કિસ્સો શોધી કાઢી સરકારની આબરૂમાં ઉમેરો કર્યો છે.

મોતાના કુંવરજી મોરારના દીકરા ગોવિંદને શાળામાં દાખલ કરતી વખતે આ તલાટીએ પ્રમાણપત્ર આપવા ના પાડી, કારણકે તેમણે ચાલુ સાલનું મહેસુલ ભર્યુ નથી, એટલે ભાઇ કુંવરજીએ કાંતો બિન ખાતેદાર તરીકે વધારે ફી ભરવી જોઇએ, અગર તો આવા શિક્ષણનો મોહ છોડી દેવો જોઇએ.

મોતા જેવા દાખલા બીજે પણ બનવા માંડયા છે. એટલે આ સવાલનો નિર્ણય આપણે કરવો જોઇએ. મારી સલાહ એવી છે કે જે ખાતેદારો પાસે પ્રમાણપત્રને અભાવે વિશેષ ફી માગવામાં આવે તે ખાતેદારો અને બિનખાતેદારોએ બધાએ પોતાનાં બાળકોને હાલ આ લડત ચાલે ત્યાં સુધી આવી શાળાઓમાં મોકલવાં નહિ, અને શાળાઓના ત્યાગ કરવા. જ્યાં જ્યાં સરકાર તરફથી આપણું માનભંગ કરવાની તજવીજ થાય, ત્યાંથી આપણે દૂર રહી આપણી ઈજ્જત સાચવી લેવી. થોડા વખત આ શાળાઓમાં બાળકો નહિ ભણે તેથી આપણે કંઈ જ ખોવાના નથી. ઉલટા બાળકોને તો લડાઈની યાદગીરી રહી જશે.

જો આજ સુધી જે ફી લેવાય છે તે લઇ ચાલતી આવેલી વ્યવસ્થામાં ફેરફાર ન કરે તો આપણે પણ કંઈ ફેરફાર ન કરવો. સરકારની મહેરબાની ઉપર કોઇ જાતને આધાર રાખવો નહિ.

વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલ

સંદર્ભ : બારડોલી સત્યાગ્રહ ખબરપત્ર 155

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in