Stoned in Vadodara and Sardar Patel | Vithalbhai Patel, Sardar Patel

Stoned in Vadodara and Sardar Patel

Stoned in Vadodara and Sardar Patel

Stoned in Vadodara and Sardar Patel

સરદાર પટેલ ની વડોદરાની સભામાં થયેલ ધમાલ

૨૦મી જાન્યુઆરી ૧૯૩૯ના દિવસે સરદારશ્રીના માનમાં વડોદરામાં જે સરઘસ નીકળ્યું હતુ તે ઉપર ગુંડાઓને રોકીને પથરા ફેંકાયા હતા. ગુંડાઓએ તો સભા મંડપ પણ બાળી નાખ્યો હતો. આથી સરદારશ્રીની સભા બીજા દિવસે અલકાપુરીમાં થઈ. તે સભા પુરી થતા જ રાજ્યે રોકી રાખેલા ગુંડાઓ તોફાને ચડ્યા હતા. તે રાત્રે કોઈ અજાણ્યા માણસે એક વિદ્યાર્થીનું ખંજર મારીને ખૂન કર્યું હતુ. આ ખૂનને કોમી રંગ લાવવાનો પ્રયાસ થયો અને સતત ત્રણ દિવસ સુધી તોફાનો ચાલુ રહ્યા હતા. લોકો પર છડેચોક હુમલાઓ થયા પણ રાજયની પોલીસે આ તોફાનો કાબૂમાં લેવા કોઈ પ્રયત્ન કર્યો ન હતો. આ તોફાનોની બાબતમાં તપાસ કરવા માટે રાજ્ય સરકારે તા. ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૩૯ના રોજ એક કમિટી નીમી હતી. પરંતુ જે માણસોની દોરવણીથી આ તોફાનો થયા હતા તેમાથી કેટલાક કહેવાતા મોભાદાર માણસોએ દિલગીરી પ્રદર્શિત કરી હતી અને તપાસનું કામ આગળ ન ચલાવવા માટે વિનંતી કરી હતી. વાસ્તવિક રીતે વડોદરા રાજ્યના હાથ જ આમાં વધારે ખરડાયેલા હતા. એટલે આ પ્રકરણમાં ભીનું સંકેલવામાં આવ્યુ. આ પ્રસંગ સમયનો સરદાર સાહેબે બારડોલીથી મગનભાઈ શંકરભાઈ પટેલને લખેલ પત્ર વાંચવા જેવો ખરો.

તા. ૨૨-૦૧-૧૯૩૯
ભાઈ મગનભાઈ,

આજે પશાભાઈ પટેલને ટેલિફોન કરી ખબર કાઢ્યા ત્યારે જાણ્યું કે પેલો દીવાન સાહેબના બંગલા આગળ ઘાયલ થઈ મરી ગયેલો માણસ ગુજરાતી નહી પણ મહારાષ્ટ્રીયન હતો. આપણે જીતેલો દાવ હારવા જેવુ કાંઈક થયુ. એ શાથી અને કોનાથી મર્યો તે તો હવએ કેમ ખબર પડે? દીવનસાહેબ સુલેહશાંતિથી સભા બોલાવવા માંગે છે. ત્યાં સભ્યતાથી અને હિંમતથી ગુજરાતીઓની સલામતી નથી એવી વાત કરવી જોઈએ. જે રીતે પોલીસે વર્તન ચલાવ્યું અને જે રીતે આટલાં આટલાં તોફાનો જોયા કર્યા એ બધુ જોતા સુલેહની સભા બોલાવવા અંગે કોઈને કહેવાનું હોય તો તે ગુજરાતીઓને નહી. એ તો ચોર કોટવાળને દંડે એવુ થાય. એ બધુ દ્રઢતાથી કહેવું જોઈએ. 
જે મરી ગયો એને ગુજારાતીઓએ માર્યો એવું માનવાને કશું કારણ નથી. તોફાન કરનારાઓએ રાત્રે અંધારે ભૂલ કરી હોય અને ગુજરાતી જાણી માર્યો હોય એ બને. વળી જતા આવતા બહારના જેને પરિષદ સાથે કોઈ લેવા દેવા નથી તેવા સૌને રોકીને મારતા, લૂંટતા અને સતાવતા હતા. તેમાં કોમી ઝેર ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓને રોકવા જોઈએ અને નહી રોકે તો એની જવાબદારી રહે. આપણા માણસોએ આ મરણથી ડરી જવુ ન જોઈએ. પણ સભ્યતા અને મક્કમતાથી જવાબ આપવા જોઈએ. પ્રજામંડળની ચાલતી બંધારણપુર્વક પ્રવૃતિઓ વિષે કાંઈ ઈશારો થાય તો એ સંબંધે સંભાળીને ઠીક જવાબ આપવા જોઈએ.

મને ખબર લખતા રહેજો.

લિ.
વલ્લભભાઈના વંદે માતરમ

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in