Sardar Patel and Jayantilal Amin
જયંતિલાલ અમીનનો પશ્ચાતાપયુક્ત પત્ર અને સરદાર પટેલનો જવાબ
જયંતિલાલ અમીનનો તા : ૨૫-૧૧-૧૯૩૮ના રોજનો સરદારશ્રીને લખેલ પત્રપુજ્ય બાપુ,
આ પત્ર લખતાં પણ શરમાઉ છું કારણ કે કોઈ ગ્રહદશાના બળે આપના સંબંધમાં મારાથી એક એવું અપકૃત્ય થયુ છે કે હું આપની દયાને પાત્ર નથી રહ્યો. મે મારી ઊગતી જુવાનીથી આજ સુધી આપને દેવ તરીકે પૂજ્યા છે. આપના પ્રત્યે મારી કેવી લાગણી છે તે મે બારડોલી પ્રસંગના પાટીદાર માનપત્રમાં ઠાલવી છે.
આજે આપ માનશો નહી છતાં કેવલ પ્રભુ સાક્ષી છે કે મારે હાથે આપના સંબંધમાં જે જે અપકૃત્યો થયા છે તે કેવળ મારી મરજી વિરુધ્ધ થયાં છે. છેલ્લાં બે વર્ષથી હું પશ્ચ્યાતાપના જે અગ્નિમાં બળી રહ્યો છુ એની પીડા કેવળ મારુ હ્રદય સમજી શકે છે. મારી જીવનસંધ્યાને આરે હું સર્વનાશ્ને આરે ઊભો છું ત્યારે મારા દિલમાં એક જ ઈચ્છા ઘર કરી રહી છે કે આપને ચરણે પડીને આપની ક્ષમા માગી લેવી. એક જ વખત આપ આપની સમક્ષ આવવાની આજ્ઞા આપો અને સ્વમુખે “તને ક્શમા આપી” એમ સંભળાવો ત્યારે જ મને શાંતિ વળશે.
ન ધારેલું અને ન થવાનું મારે હાથે થઈ ગયું છે. છેલ્લા બે વરસ દરમ્યાન મે ઘણું સહન કર્યુ છે. પત્ની ગુમાવી, ધંધો ગુમાવ્યો, પ્રતિષ્ઠા ગુમાવી અને શરીરસંપંતિ પણ ગુમાવી છે. મને તેનુ કાંઈ નથી. મે તેને પ્રભુએ દિધેલ શિક્ષા તરીકે માની છે. અને હજીયે વેઠવુ પડે તે હસ્તે મુખે વેઠવા તૈયાર છું. પણ આપની સન્મુખ આવીને માફી માગવાની અને મેળવવાની જીવનની એક જ આકાંક્ષા રહી છે.
છેલ્લા બે વર્ષથી મે જે સાંભળ્યુ છે, જાણ્યુ છે અને જોયુ છે તે ઉપરથી હંમેશા મને લાગ્યું છે કે મારી બધી મૂર્ખાઈ છતાં પણ આપના હ્રદયમાં મારે માટે દયાની લાગણી રહી છે અને તેથી જ્યારે જ્યારે કોર્ટમાં આપનો સામનો કરવો પડ્યો છે ત્યારે ત્યારે મને અપાર દુ:ખ થયું છે.
આથી આપના ફુરસદના સમયે આપની સમક્ષ આવવાની આજ્ઞા કરશો તો મારા હ્રદયને શાંતિ થશે.
એક પુત્ર પિતાની સમક્ષ ગમે તે સમયે આવી શકે છે તે હું જાણું છુ. હું પણ આપનો પુત્ર જેવો છું. એક પિતા ગેરરસ્તે ચડેલા પુત્ર પર પણ દયાની લાગણી રાખે છે અને એવી લાગણી સિવાય મારી આપને કશી વિનંતી નથી.
આપનો આજ્ઞાંકિત,
જયંતીલાલ અમીનના પ્રણામ.
સરદાર પટેલનો તા: ૨૮-૧૧-૧૯૩૮ના રોજનો જયંતીલાલ અમીનને લખેલ પત્ર
ભાઈ જયંતીલાલ,
તમારો તા. ૨૫-૧૧-૧૯૩૮નો કાગળ મળ્યો. છેલ્લા બે ત્રણ વર્ષથી તમારુ વર્તન હું મુદ્દલ સમજી શક્યો નથી. તમારા દિલમાં ખરેખર પસ્તાવો થયો હોય તો ગઈગુજરી વિસરી જઈ નવેસરથી તમારું જીવન શરુ કરી શકો છો. માણસ ભૂલને પાત્ર છે. પણ જેને ભૂલનું ભાન થાય છે. અને ભૂલ સુધારવાનો નિશ્ચય કરે છે તેને ઈશ્વર સાથ આપે છે.
તમારા ઉપર જે વીતી તે માટે તમારા પ્રત્યે દયાભાવ સિવાય શું હોઈ શકે? મને રોષ રાખવાની ટેવ નથી.
પાપનો પશ્ચ્યાતાપ એજ માણસને સત્ય માર્ગ દોરી શકે છે. કોઈ વખતે નવરો હોઈશ ત્યારે મળી શક્શો.
લિ.
વલ્લભભાઈના વંદે માતરમ
No comments
Post a Comment