Sabarmati Ashram's Library
સાબરમતી આશ્રમનું પુસ્તકાલય
તા. ૩૧ જુલાઈ ૧૯૩૩ ના રોજ સાબરમતી આશ્રમ વિખેરી નાખ્યો હતો અને તે વખતે આશ્રમમાં જે પુસ્તકાલય હતુ તે રખડી ન જાય તે માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીને સોંપેલું. જેનુ કારણ કે આશ્રમનું પુસ્તકાલય વિદ્યાપીઠના પુસ્તકાલયના એક ભાગ તરીકે ગણાતું એટલે વિદ્યાપીઠના પુસ્તકાલયને પણ મ્યુનિસિપાલિટીને સોંપવુ ઠીક રહેશે તેમ ગાંધીજીનો ખ્યાલ જોઈ કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપી દીધુ હતું. તે વખતે વિદ્યાપીઠના ઘણાખરા ટ્રસ્ટીઓ જેલમાં હતા. પરંતુ ગાંધીજીની સંમતિ હોવાથી તે અંગે ટ્રસ્ટીઓની વિધિસર સંમતિ લેવાની જરૂર કાકાસાહેબ કાલેલકરને જરૂર ન જણાઈ. જ્યારે આ દાનની વાત સરદારશ્રીને ખબર પડી ત્યારે તેમણે આ બાબતે અણગમો વ્યક્ત કર્યો, તેમની દ્રષ્ટિએ આવી રીતે ટ્રસ્ટની મિલ્કત બીજી સંસ્થાને સોંપી શકાય નહી. બીજું એવું દાન વિદ્યાપીઠના ધ્યેયો અને ઉદ્દેશો સાથે અસંગત ગણાય અને પુસ્તકાલયનું કામ સાવ રખડી પડે તેવો પણ તેમને ડર લાગ્યો. સરદારશ્રી સાથે બાપુએ આ બાબતે વાત કર્યા પછી બાપુને પણ ખ્યાલ આવ્યો કે આ કામ ધમાલમાં વગર તપાસે થયું હતું. એટલે એમણે સરદારશ્રીને લખ્યું કે “ વસ્તુતાએ જો એ પુસ્તકો પાછાં લેવાનો ધર્મ હોય તો એ પાછાં લઈ લેવાં.” બીજી બાજુ કાકાસાહેબે ગાંધીજીની સલાહને આધારે જ આ પગલું ભર્યુ હોવાથી આ પ્રકરણનો અંજામ આવો આવશે તે ખ્યાલ પણ નહોતો. આ જ કારણે ટ્રસ્ટો વિષેની આવી અટપટી જવાબદારીઓમાંથી નીકળી જવું જ સારુ એવો કાકાસાહેબે નિર્ણય કર્યો હતો. તેમાં વળી લોકો એવુ સમજ્યા કે કાકાસાહેબ પોતે કેટલાય સમયથી એવુ વિચારતા હતા તે મુજબ ગુજરાત બહાર કોઈ ક્ષેત્રમાં કામ કરવું છે એટલે કાકાસાહેબે આવો નિર્ણય કર્યો હોય!
No comments
Post a Comment