Karamsad | Vithalbhai Patel, Sardar Patel

Karamsad


કરમસદ પ્રત્યે મારો સ્નેહ...



એક સવાલ મારા મન માં સદાય હતો કે જ્યારે સરદાર પટેલ આઝાદી ની લડત લડતા હતા અને સ્વતંત્ર ભારત ને નવો આકાર આપતા હતા ત્યારે કરમસદ ગામ માં શું પ્રવ્રુતિઓ ચાલી રહી હતી? આ સવાલ નો જવાબ શોધતા મને જે વિગતો પ્રાપ્ત થઈ એમાં કરમસદ ગામનો મારા જન્મ પહેલાંનો ઈતિહાસ આટલો રસપ્રદ હશે એ મે કદીએ વિચાર્યુ નહોતું, માનવી ની ઉત્સુકતા જ માનવી ને કાંઇક કરવાની પ્રેરણા આપે છે. આપણા પુર્વજો એ કેટકેટલા સદકરમ કર્યા એટલે જ કદાચ આ ગામનું પહેલાં થી જ નામ કરમસદ છે, જે સદાય સદ કરમ કરવા ની પ્રેરણા આપતું હતું, છે અને રહેશે….

કરમસદ ગામે ભારતના જગવિખ્યાત રાજ પુરુષો અને અનન્ય દેશભક્તો સદા આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને સદા આદરણીય શ્રી વલ્લભભાઈ પટેલ જેઓને આપણે સરદાર પટેલના નામે જાણીએ જ છીએ. આ જ ગામની દિકરી સદા આદરણીય શ્રીમતી મણીબેન પટેલ કે જેમણે પોતાના પિતાની દેશભક્તિ અને દેશદાઝ માટે પોતાના જીવન ની આહુતી પિતાના ચરણોમાં આર્પી, કરમસદ ગામના જ શ્રી બાબુભાઈ પટેલ જેઓનું આપણે બાબુભાઈ શહીદ સ્મારક કરમસદના જુના બજાર પાસે બનાવેલ છે. આ સિવાય કરમસદ ગામે રાષ્ટ્રીય ચળવળમાં પણ પોતાનો ખુબજ મોટો ફાળો આપેલ છે.

કરમસદ ગ્રામ પંચાયત ની સ્થાપના ૨૫-૧૨-૧૯૪૦ ના રોજ કરવા માં આવેલ જે “અ” વર્ગ ની ગ્રામ પંચાયત તરીકે સ્થાપાયેલ, જે આજે નગરપાલિકા બની છે. ૧૯૫૪ માં કરમસદ નું ક્ષેત્રફળ ૬.૧ ચો. માઈલ, ઘરો : ૨૧૮૫, કુટુંબ : ૨૩૮૫ અને વસ્તી માં પુરુષો : ૬૩૭૨, સ્ત્રી : ૪૬૪૬ એમ કુલ ૧૮૦૧૮ હતી. આણંદ – ખંભાત ની રેલ્વે લાઈન ઉપર્નું આણંદ પછીનું સ્ટેશન. ગામ નાં ઘણાં લોકો દેશનાં મોટા શહેરોમાં અને પરદેશ ખાસ કરીને પુર્વ આફ્રિકા માં વસતા હતા અને આર્થિક રીતે સધ્ધર હતા, છે અને રહેશે.

ગામમાં લાખિયો કુવો, ખારો કુવો, રબારી નો કુવો અને મોટો કુવો એ મુખ્ય અને મોટા કુવા હતા, તે સિવાય નાની કુઈઓ પણ ઘણી હતી, આજે આ કયા સ્વરુપ માં છે તે મને ખબર નથી. એ વખતે શ્રી જશભાઈ જીવાભાઈ પટેલ પોતાનું ખાનગી વોટર વર્ક્સ ગામમાં ચલાવતા, ગ્રામપંચાયત તરફથી નવુ મોટું વોટર વર્ક્સ કરવાની યોજના કરવામાં આવેલ. સરદાર પટેલના સ્વપ્ન વલ્લભ વિધ્યાનગર ઉભું કરવા માટે કરમસદ ગામ ના લોકો એ પોતાની જમીનો ઉત્સાહ પુર્વક આપેલ હતી. આ સિવાય કરમસદ ગામે ઉદ્યોગિકરણ અને યુવાનનો ને રોજગારી મળે તે માટે જરૂરી જમીન વિઠ્ઠલ ઉદ્યોગનગર માટે આપેલ, તથા આરોગ્ય – તબીબી સેવા માટે જમીનની જરૂર પડતા કરમસદ ગામે પોતાની જમીનો ખુબજ ઉત્સાહ પુર્વક આપેલ જે આજે શ્રી ક્રિષ્ના હોસ્પિટલ / ચારૂતર આરોગ્ય મંડળ તરીકે જાણીતી બની છે અને આ જમીનો આપવા માટે મુખ્ય ઉદ્દેશ સમાજ તથા આવનાર પેઢીને મદદરૂપ બનવા માટેનો જ હતો. ગામ માં ૧૯૫૧થી એક દવાખાનું ચાલે છે અને આ દવાખાનાનું મકાન શ્રી પુનમભાઈ નરસિંહ ભાઈ પટેલે તથા પ્રસુતી ગ્રુહનું મકાન શ્રી ડાહ્યાભાઈ હાથીભાઈ પટેલે બંધાવેલ. જેને આપણે સ્ટેશન રોડ ઉપર આવેલ સરકારી દવાખાના તરીકે ઓળખીએ છીએ. શ્રી ઠાકોરભાઈ પટેલ (વૈધ) કરમસદ બસ સ્ટેંડ પાસે બાલ મંદિર નું મકાન પણ બંધાવેલ છે. જેને આજે આપણે જુનું બાલમંદીર પણ કહીએ છે.

સરદાર વલ્લભાઈ પટેલ હાઇસ્કુલ શ્રી સોમાભાઈ મીઠાભાઈ પટેલ, શ્રી અંબાલાલ હાથીભાઈ પટેલ, શ્રી મણીભાઈ બાબરભાઈ પટેલ ના વડીલ પરિવાર દ્વારા ખુબજ ઉત્સાહ પુર્વક બંધવામાં દાન આપેલ અને નાની નાની રકમ નું દાન કરવામાં પણ ટુકડે ટુકડે સવલત અનુસાર આપવા ની વ્યવસ્થા કરેલ જે કરમસદ કેળવણી મંડળ ના જુના વાર્ષિક આહેવાલો થી પણ માલુમ પડે છે.

૧૯૫૪ થી આજ દિન સુધી કુમાર શાળા અને કન્યા શાળા અલગ અલગ ચાલે છે. તેમાં કન્યાશાળા સંવત ૨૦૦૩માં ગામ નાં શ્રી ત્રિભોવનદાસભાઈ ખુશાલભાઈ પટેલ અને તેઓના ભાઈ શ્રી કાશીભાઈ પટેલ અને શ્રી ડાહ્યાભાઈ પટેલ એ તેમના કાકી શ્રીમતી સાકરબાના સ્મર્ણાર્થે રૂપિયા ૧,૩૫,૦૦૦=૦૦ ના ખર્ચે તળાવ ઉપર “પાટીદાર નિવાસ” (ધર્મશાળા) બંધાવેલ જે આજે સાકરબા કન્યાશાળા ના નામે ઓળખાય છે, અને એ વખતે કુમારશાળા નું મકાન સાકડું હોવાથી બીજા મકાનો પણ ભાડે રાખી ને પણ ગામ ના સંતાનો ને ભણવા માટે સગવડ કરી આપેલ, ભણતર ની સાથે સાથે પુસ્તકાલય પણ જરૂરી છે અને આ માટે શ્રી શિવાભાઈ દાદાભાઈ પટેલ એ મકાન બંધાવી આપેલ જેનું નામ “વિદ્યાર્થી સમાજ પુસ્તકાલય” તરીકે આજે પણ જાણીતું છે. જેમાં છાપા ઉપરાંત ૭૦૦૦ જેટલા પુસ્તકો પણ ૧૯૫૪ દરમ્યાન હતાં.

આજ કાલ ખાનગી બસ સેવા આણંદ થી કરમસદ ચાલે છે તથા બીજા અન્ય સ્થળો માટે પણ ચાલે છે, પરંતુ કદાચ અપણે નહિ જાણતા હોઈએ કે આ ખાનગી બસ સેવા ની શરુઆત વર્ષ ૧૯૫૪ પહેલા કરમસદ થી આણંદ જવા ખાનગી બસ સર્વિસ ચાલતી હતી જેમાં એક બસ ખાસ વલ્લભ વિદ્યાનગર વિધ્યાર્થી ઓ ને લેવા-મુકવા ની વ્યવસ્થા પણ હતી.. આપ સમજી શકો છો કે કરમસદ ના લોકો ની દિર્ગદ્રષ્ટી કેટલી હતી અને જે પોતાની આગવી બસ સર્વિસ એ જમાના માં ચલાવતું હતું. અને આજે આપણા જ ગામના પાટીદાર ના વિચારો નું કોઈ એ અનુકરણ કરે તો તે બાબતે હું પોતે તો ગર્વ અનુભવું છું અને આવું જ ભવિષ્ય માં પણ થવું જોઈએ.



સમય, શક્તિ, ધન, બુધ્ધિ, દરેક રીતે ગામ અને સમાજ ને સીધી કે આડકતરી રીતે મદદરૂપ થાય તે બધાને દાતા કહી શકાય… એ જમાનામાં ટેક્નોલોજીનો અભાવ / ઉપયોગ પણ નહી થતો હોય, જો આમ છતાં વડિલો તથા મહાનુભાવોએ કરી બતાવ્યુ તો આપણે તો આજ ની યુવા પેઢી ટેક્નોલોજી સાથે બહુજ સારી રીતે માહિત્ગાર છે તો આપણે કરમસદ માટે તો કાંઈક એવા કાર્યો કરી જ શકીએ કે જેથી કરીને આપણા મા-બાપ, આવનારી નવી યુવા પેઢી, ગામ અને સૌથી ઉપર સમાજ પણ ગૌરવ અનુભવશે.

એવું નથી કે કરમસદમાં કદીએ મુશ્કેલીઓ નથી આવી પરંતુ કરમસદ સદાય એ મુશ્કેલીઓ નો સામનો કરી ને કરમસદે સદાય પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને ભવિષ્યમાં પણ કરશે…

ભુતકાળ ના અનુભવો થી વર્તમાન જીવવા થી ભવિષ્ય સદાય ઉજ્જ્વળ બને છે એવુ મારુ મનવું છે.

આ સિવાય ગામ ના કોઇ મહાન કે પ્રતિષ્ઠિત વ્યક્તિ / વડીલ નું નામ મારા થી ધ્યાન બહાર ગયેલ હોય તો પુત્ર / મિત્ર સમજી માફ કરજો અને ઈરાદપુર્વક નથી તેની હું ખાત્રી આપું છું. તથા હું માનું છુ કે મે કોઇ સ્વર્ગસ્થ વડિલ કે મહાનુભાવના નામ ની આગળ સ્વ. નથી કહેલ એનું એકજ કારણ કે દરેકે દરેક સીધી કે આડકતરી રીતે આપણી વચ્ચે કે આપણા હ્ર્દય માં સદા જીવંત છે, હતાં અને રહેશે.

સરદાર પટેલ અમર રહો..


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in