TRIBUTE TO SARDAR PATEL
ખરી પડેલો ચમકતો તારો – હિંદના લાડીલા “સરદાર”
“મારી ઈંતેજારી તો જ્યા મહાત્મા ગાંધીજી, કસ્તુરબા અને મહાદેવ દેસાઈ ગયા છે ત્યાં જવાની છે. છતાં થોડાંક વર્ષ આ દુનિયામાં હજુ રહેવા ઈચ્છું છું. તેઓની ઈચ્છાથી જ તેઓનું કાર્ય પુરૂ કરવા હું અહી રહ્યો છું.” – સરદાર પટેલ – ઓક્ટોબર ૩૧મી ના ૭૫મી વર્ષગાંઠની આગલી સાંજે સાબરમતી આશ્રમમાં આ ઉદ્દ્ગારો કાઢ્યા હતા.
અને આજે તેઓએ સૌને અખંડ ભારતની ભેટ આપીને શુક્રવાર તા. ૧૫-૧૨-૫૦ના રોજ સવારે ૯ કલાક અને ૩૭ મિનીટે સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ મુંબઈમાં દેહ છોડી ચાલ્યા ગયા. અને પોતાની ઈચ્છા પુર્ણ કરી. અવસાનના આશરે દોઢ મહિના પહેલા જ તેઓ ગુજરાત આવ્યા હતા. તે વખતે તેમની ૭૬મી વર્ષગાંઠ ઉજવાયેલ તે સમયે સરદાર સાહેબની તબિયત ઢીલી હોવા છતાં સરદાર સાહેબ દરેકને મળવાનો પ્રયત્ન કરતા હતા. અને આખું ગુજરાત જાણે એક મહોત્સવ ઉજવી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. ગુજરાતને તેમના દર્શન થયા અને જતા પહેલાં તેઓ પોતે પણ આંખ ભરીને તેઓ પોતાની કર્મભૂમી અને ત્યાંના તેમના જુના સાથીઓને જોઈ શક્યા.
ગુજરાતની ફુલપાંખડી સ્વીકારીને તેઓ અમદાવાદ થી દિલ્હી ગયા ત્યારે તેમને મનમાં એમ હતું ખરુ કે, હજી ગુજરાતના બીજા ભાગોમાં જવાનું બાકી છે તે ફરી જાન્યુઆરીમાં કરીશ. એમ બે હપ્તે ગુજરાતનાં સૌ ભાઈ બહેનો અને કાર્યકર્તાઓને મળવાનો ખ્યાલ હતો. પરંતુ દિલ્હી ગયા પછી તેમની તબિયત વધુ બગડી અને તેમને મુંબઈ લાવ્યા. અહી આવીને ૨-૩ દિવસ તો સારૂ લાગ્યું એટલે સૌને થયું કે, મુંબઈની હવા તેમની તબિયતમાં સુધારો લાવશે. પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે ઓલવાતા દીવાનો એ છેલ્લો ચમકારો હતો. ગુરૂવાર રાત પછી તેમની તબિયત કથળી અને શુક્રવારે સવારે તેમણે દેહત્યાગ કર્યો.
દેશ માટે આઘાત જનક સમાચાર અને કોઈને પણ આંચકો લાગે તેવા સમાચાર હતા. ૧૯૪૭થી દેશનું જે ઘડતર થઈ રહ્યુ હતું તેમા સરદાર એક આધાર સ્તંભ હતા. અને ગુજરાતે તો પોતાનું શિરછત્ર ગુમાવ્યું. ૧૯૧૫થી શરૂ થયેલો યુગનો અંત આવ્યો.
સ્વરાજ લાવવા માટે શું કરવું? લડવું કેવી રીતે? પ્રજાને તે વિષે તાલીમ શી રીતે આપવી? આ સવાલ ફક્ત સરદાર સાહેબનો જ નહોતો પરંતુ ૧૯૧૫ પછી તો કોંગ્રેસ અને આખા દેશનો હતો. અને એટલેજ ગાંધીજી અને તેમની સાથે સરદાર એકદમ અખિલ હિંદની ભુમિકામાં પહોચી ગયા. સરદારે ગુજરાતનું કામ સંભાળી લઈ ગાંધીજીને દેશના વ્યાપક ક્ષેત્રને માટે નવરાશ કરી આપી. ગાંધીજીના ગુજરાતના બધાંજ કામો સંભાળવા એ સરદારનું સહજ કાર્ય બની ગયું. અને કેમ ન બને આખરે ગુજરાતનો દીકરો ગુજરાતનો આપ્તજન બને તે સ્વાભાવિક છે. તેમણે ગુજરાતની પ્રાંતિક સમીતીઓ દ્વારા નાના મોટા બધા સેવાકાર્યો આ સંસ્થાની પાંખ તળે રહી હુંફ મેળવતા થયા. અને ગુજરાતમાં એક સર્વ સમન્વિત ઢબે રચનાત્મક કાર્યક્રમ કરવા માટે તંત્ર ઊભું થઈ શક્યું. વલ્લાભભાઈની આ સંગઠન શક્તિ અને કુટુમ્બભાવ દ્વારા જ ગુજરાત પોતાના સેવાકાર્યો દ્વારા પ્રજાની તાકાત તથા પોતાનું હીર પ્રગટ કરી શકાય એ ખાતરી આપી શક્યુ.
આ બધામાં એક મોટી શરત હતી કે તેને જે ન સમજે તે સરદારને પણ ન સમજી શકે અને એ શરત હતી સ્વરાજની. સ્વરાજ મેળવવા માટે આત્મશુધ્ધિ કરીને પ્રજાને સ્વાવલંબી ને બળવાન કરવાની હતી. જે કાર્ય કે તેને કરનાર વ્યક્તિ કે સંસ્થા ગાંધીજીના મૂળમંત્રને ન સમજે તેને સરદારની નજરમાં સ્થાન ન મળી શકે. સરકાર પોતાની ન હોવા છતાં પ્રજા પોતાના આપબળે કામ કરી શકે છે તે સરદારે સાબિત કરી બતાવ્યું. પ્રત્યક્ષ જે કાંઈ જરૂર હોય તેને મોજુદા સાધનો વડે પહોચી વળીને પણ પ્રજાની તાકાત વધારવી, જેથી સૌ સારા વાના થશે, તે તેમની બાળપણની સાદી સમજ છે. અને સામાન્ય ગુજરાતીની પણ વહેવાર માટે એજ સમજ હોય છે. તેથી જ સરદારને ગુજરાતના બધા વર્ગો પોતાના કહી શકતા હતા. અને આ સમજને ગાંધીજીના આદર્શ ખાતે અર્પણ કરી.
મગનભાઈ દેસાઈએ તો તા: ૨૧-૧૨-૫૦ “હરીજન બંધુમાં” તો ત્યાં સુધી કહ્યુ છે કે “એમના જેવા પુરુષોની જ્યારે ખુબ જરૂર છે ત્યારે તે ગયા. પણ ટીળક મહારાજ પેઠે એમને ખાતરી હતી કે, હિંદમાતાની કુખેથી જોઈતા નરવીરો મળ્યા જ કરશે. એવા આપણે સૌ બનવા મથીને આ વીર દેશભક્તનું તર્પણ કરી શકીએ. તેઓતો અત્યારે એમના મહાદેવ અને બા બાપુની પાસે, જેમ જેલમાં જોડે હતા તેમ, અનંતતાની કેદમાં પહોચી ગયા હશે. અને ત્યાં રહ્યા એમેય કદાચ પુછતા હોય, કેદમાં તમે દુનિયા પર રહેલા છો કે અમે? એમનો જીવનપાઠ યાદ કરીએ તો સરદાર સદાય આપણી પાસે જ છે. એ પાઠ આપીને સરદાર અમર થયા છે.
તેમના અવસાનથી હિંદની પ્રગતિમાં એક જબરદસ્ત ફટકો લાગ્યો છે. માંડ માંડ મહાત્માની ખોટથી થયેલ આઘાતમાંથી હિંદની પ્રજા હજુ ઉભી થઈ શકી છે ત્યાંતો સરદાર, જેઓ તેમની ખોટ સુંદર રીતે પુરી કરી રહ્યા હતા અને પ્રેમપુર્વક દેશને એક આકાર આપી રહ્યા હતા તેમને પણ ઈશ્વરે છીનવી લીધા. આધુનિક ઈતિહાસથી જેઓ વાકેફ છે તેઓ સારી રીતે જાણે છે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી સરદારે દેશની અથાગ સેવાઓ બજાવી છે, ધીરજ, હીંમત, દ્રઢતા, ગમે તેવી પરીસ્થિતીમાં મગજનું સમતોલપણું, તીક્ષ્ણ બુધ્ધી, સ્પષ્ટવકતા, ગંભીરતા અને છતાં અતિ રમુજી સ્વભાવ, કે જેણે ગાંધીજીને અનેકવાર પેટ દુ:ખે ત્યાં સુધી હસાવ્યા હતા, એ સઘળા અને બીજા અનેક સરદાર પટેલના અગ્રગણ્ય ગુણો હતા. તેમની પ્રથમ મહાન સિધ્ધીઓ ખેડા અને બારડોલીમાં થઈ હતી, જ્યાં જાતે ખેડુત વર્ગના હોઈ, તેઓએ, બ્રિટિશ સરકાર તરફથી ખેડુતો પર અમાનુષી જમીન મહેસુલ નાખી તેઓની કાયમની કંગાલ દશા કરી મુકવામાં આવી હતી, તેની સામે અહિંસક મુક્તિસંગ્રામ કરી તેમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમની વાણીમાં તો મરેલ માણસને પણ જાગ્રુત કરીદે તેટલું જોર હતું. અને આખા ગુજરાતે તેમને સરદારનો ઈલ્કાબ આપ્યો હતો. આજે પણ તેમને સરદાર તરીકે જ ઓળખીએ છીએ.
અમદાવાદની મ્યુનીસીપાલીટીના પ્રમુખ તરીકે તેમણે પોતાની અજબ વહીવટશક્તિ બતાવી આપી હતી. શહેરમાં તેમણે એટલા સુધારા કર્યા કે બ્રિટીશ રાજ્યમાં જે એક નરક સમાન હતું તેને માનવ વસવાટને લાયક શહેર બની ગયું હતું. સરકાર સામે જ્યારે જ્યારે ઝુંબેશ ઉઠાવવાનો પ્રસંગ આવેલો ત્યારે એ કાર્ય સફળતાથી પાર પાડવા ગાંધીજી સરદાર પર પુર્ણ વિશ્વાસ રાખતા હતા. સરદાર પટેલના કાર્યોની ખ્યાતી તો એટલી હતીકે ઈંગ્લેંડથી બ્રિટીશ સરકાર પણ આ સરદાર કોણ છે? તેની તપાસ કરવા માટે બ્રિટીશ સરકાર ભારતમાં પત્રો લખીને તપાસ કરાવેલ.
૧૯૪૨માં કસોટીનો ખરેખરો વખત આવ્યો, જ્યારે આખા દેશમાં ત્રાસ પ્રવર્તન ચાલ્યું અને દેશના નેતાને વગર તપાસે કેદખાનામાં પુરી દેવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલની દ્રઢતા જેવીને તેવીજ રહી. તેમની ઉમર તથા કેદમાં સખત જીવન ગાળવું પડેલું હોવાથી તેમની તંદુરસ્તી ઉપર ખુબજ માઠી અસર થઈ હતી. પરંતુ તેમના લોખંડી મનોબળ, કાર્યશૈલી તથા હિંમતની સાચી પરીક્ષા તો હજુ થવાની બાકી હતી. તેમાં પણ તેઓ પાર ઉતર્યા કે મહાન બ્રિટીશ સલ્તનતના ભડવીરોને તાજુબી થયા વિન નહી રહી હોય. ૧૯૪૭માં બ્રિટીશ સરકારે છેવટે હિંદ છોડી જવાનો ઠરાવ કર્યો. પરંતુ છોડતાં પહેલાં તેણે હિંદને શક્ય હોય તેટલું નુક્સાન કર્યુ અને તેના ટુકડે ટુકડા થાય તેમ કરવાને માત્ર નીચે દારૂગોળો જ મુકવાનો બાકી રખ્યો હતો. તેમની તો એટલી ખાત્રી હતી કે જો આમ થાય તો છ મહીનામાં હિંદ બ્રિટીશ સરકારને રાજ પાછું સોંપવાને મજબુર થઈ પગે પડતું આવશે. બસો વર્ષની કારકીર્દીમાં હિંદને છિન્નભિન્ન કરી નાખ્યુ હતું. અને એથી જ ચારસો દેશી રાજ્યોમાં ભાગલા પાડવામાં આવેલ હતા, અને દેશી રજવાડાઓ બ્રિટીશરોને જ વફાદાર રહેવા માટે એક વણલખી ફરજ પાડેલ હતી. એજ કારણથી હિંદુ અને મુસ્લીમ વચ્ચે કોમી ભાગલા અને જાતી અને જ્ઞાતી ભેદોને પોષવામાં આવી રહ્યા હતા. જતાં જતાં બ્રિટીશ સરકારે હિંદના પણ ભાગલા કરવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું. અને જેના પરીણામ રૂપે હિંદ અને પાકિસ્તાનના ભાગલા પડ્યા.
સરદાર પુર્ણ યશસ્વીરીતે ઝળકી રહ્યા હતા તે વખતે જવાહરલાલ જેવા નેતાઓ પણ ઢીલા પડી ગયા ત્યારે સરદાર પટેલ એકલા જ પર્વતની દ્રઢતાથી પરીસ્થિતીનો સામનો કરવા ઉભા રહેલા હ્રદય લોહીના આસું પાડી રહ્યું હતુ અને તેમ છતાં તેઓની આંખોમાં જરાય પણ ઉદાસીનતા જોવા મળતી ન હતી કદાચ આ ઉદાસીનતાનો ભાસ ભારતના લોકોને ન થાય એટલે જ તેઓ પોતાના આસુંઓ ને વહેવા નહોતા દેતા. હિંદનો નાશ કરવાના બ્રિટીશ સરકારના દરેક કાવતરાને પોતાની કુનેહથી તોડતા ગયા અને દેશના સમગ્ર રજવાડાઓને સમજાવટથી હિંદમાં જોડાવા માટે રાજી કર્યા. અને હિંદ એક સંયુક્ત દેશ બની ગયો. આવા સરદાર હતા આપણા જેમની ખોટ આજે પણ વર્તાય છે.
સત્યાગ્રહો વખતે તેમણે દેશને પ્રેરણા આપનારા કેટલાક ટુચકાઓ કહ્યા તેમાના અમુકતો એવા છે કે જે વાંચીને પણ આપણા રોમ રોમમાં દેશ માટે લડવા તૈયાર થઈ જાય એવા છે...
સત્તાધીશોની સત્તા તેમના મ્રુત્યુ સાથે જ સમાપ્ત થાય છે. જ્યારે મહાન દેશ ભક્તોની સત્તા તેમના મ્રુત્યુ પછીથી જ ખરો અમલ ચલાવે છે.
- બે ટીપાં ગંગાજળ નાખવાથી ગટર પવિત્ર નહી બને... પ્રજાની ઉન્નતીનો આધાર તેની હિંમત, તેના ચારિત્ર, અને તેની ભોગ આપવાની શક્તિ ઉપર રહેલ છે.
- જુલ્મી રાજનીતીના અમલદારોની દેખરેખ નીચે જે શિક્ષણ અપાય છે તે લેવું તમારે બંધ કરવું જોઈએ. એમાંજ તમારૂ સ્વમાન જળવાયેલું રહેશે. એવા શિક્ષણથી તમારૂ કશુ ભલુ નથી થવાનું. તમારે સાહસીક થવાનું છે. બધા કરતા દેશના શ્રેયનો આધાર તમારાજ સાહસ પર રહેલો છે. દેશને સ્વતંત્ર બનાવવા તમેજ મદદ કરી શકશો.
No comments
Post a Comment