પટેલ જાય તો સરકારનું રાજ્ય જાય
કોઈ પુછે છે કે પટેલ જાય તેથી કંઈ સરકારનું રાજ થોડું જાય? હા, સાચા પટેલો જાય તો રાજ્ય જરૂર જાય. ગુજરાતમાં એકે દિવસે તમામ પટેલોના રાજીનામા પડવા જોઈએ. ખેડુતો આંધળા થયા તેથી શેઠ મટી નોકર બન્યા ને નોકર શેઠ બની ગયા. તમારા પૈસા ઉઘરાવી ચાકર રાખ્યા તેજ આજે અમલદાર બની બેઠા! ખેડુતો કોનો કેટલો દરજ્જો તે પણ જાણતા નથી. તલાટીને સરકલ જેવાને પણ તલાટીસાહેબને સાહેબ કહો છો. ફોજદાર આવ્યો તો એને પણ ફોજદાર સાહેબ કહો છો. એ સાહેબ તે ક્યાંના આવ્યા? એમના મા-બાપ કોઈ ગોરા સાહેબો થોડાજ છે? એમને સાહેબ કહો એ તો એમને ગાળ છે પણ ખેડુતો સાહેબ કહે ત્યારે એ લોકો પહોળા થાય છે, અને પોતે જાણે ખરેખર સાહેબજાદા હોય એમ માને છે. ખેડુતોએ આવી દીનતા ભુલવી જોઈએ. સાહેબ તો એક ખુદા પરવરદીગાર છે. પોતાના ચાકરોને સાહેબ કહીએ તો એ ફાટી જાય.
ખેડુતને સાચું ભાન થશે ત્યારે બધુ દુ:ખ જશે. હવે પંદર દિવસમાં મહાન યુદ્ધ થવાનું છે, ગમે તેટલો જુલમ વરસાવે તોપણ એ ચલાવવાની દેશના આગેવાનોએ તૈયારી કરી છે. એમં હિસ્સો આપવાનું ગુજરાતના ખેડુતોને અને તમને ધન્યભાગ્ય મળો. ઈશ્વર તમને બુદ્ધિ આપે, ખુદા તમને તાકાત આપે, પ્રભુ તમારૂ કલ્યાણ કરે.
સરદાર વલ્લભાઈની ગર્જનાઓ પુસ્તક પાન નં ૨૧-૨૨
પ્રકાશક : ગુજરાત પ્રાંતિક સમિતિ અમદાવાદ તરફથી મહાદેવ હ. દેસાઈ
મણીલાલ વ. કોઠારી
જીવણલાલ હ. દીવાન
No comments
Post a Comment