શાળા કોલેજના વિદ્યાર્થીઓને અસહકારનો આદેશ આપતા અમદાવાદમાં કરેલ ભાષણ | Vithalbhai Patel, Sardar Patel

શાળા કોલેજના વિદ્યાર્થીઓને અસહકારનો આદેશ આપતા અમદાવાદમાં કરેલ ભાષણ

શાળા કોલેજના વિદ્યાર્થીઓને અસહકારનો આદેશ આપતા અમદાવાદમાં કરેલ ભાષણ

શાળા કોલેજના વિદ્યાર્થીઓને અસહકારનો આદેશ

તા ૨૮/૦૯/૧૯૨૦ના રોજ અમદાવાદના શાળા કોલેજના વિદ્યાર્થીઓને અસહકારનો આદેશ આપતા કરેલ ભાષણના અંશો

કલકત્તાથી ખાસ કોંગ્રેસે અસહકારનો ઠરાવ પસાર કર્યો ત્યાર પછી અહીંના વિદ્યાર્થી વર્ગ તરફથી નેતાઓને એમ પુછવામાં આવે છે કે હવે અમારે શો રસ્તો ગ્રહણ કરવો? વિદ્યાર્થી વર્ગ રાષ્ટ્રીય ભાવનાથી આ પ્રમાણે પ્રજાકીય પ્રશ્નો વિષે વિચાર કરતો થયેલો જોઈ મને ઘણો આનંદ થાય છે અને મને લાગે છે કે દેશને માટે તે શુભ ચિન્હ છે. કોંગ્રેસમાં અસહકારનો ઠરાવ પસાર થયો છે અને તેને અંગે વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાંથી ને કોલેજોમાંથી અભ્યાસ કરવાનો છોડી દેવાની ભલામણ થઈ છે. એટલે સ્વદેશાભિમાન અને સ્વમાનને ચાહનાર સર્વ વિદ્યાર્થીઓએ હવે તે ઠરાવનો અમલ કરવાનો રહે છે. અસહકારનો ઠરાવ કલકત્તાની કોંગ્રેસમાં પસાર થયો છે, તે અત્યાર સુધીમાં બ્રિટિશ સલ્તનતમાં પહેલ વહેલો જ છે. એટલે તેને અંગે આપણે માથે જવાબદારીઓ પણ ભારે આવે તે દેખીતુ છે. પરંતુ તે જવાબદારીઓ વહોરી લઈને પણ આપણે અસહકાર કર્યા વગર હવે સ્વતંત્ર થવાના નથી એ શંકારહિત વાત છે. પંજાબના મામલાથી તો તમે સૌ જાણીતા જ હશો. વર્તમાનપત્રોમાં એ વિષે પુષ્કળ લખાયુ છે. તમે એ પણ જાણ્યુ હશે કે પંજાબ વિભાગમા વિદ્યાર્થીઓને કેવી અસહ્ય કનડગતો વિનાકારણ વેઠવી પડી છે. "જાડા-મજબૂત" વિદ્યાર્થીઓને જોઈને તેને ફટકા મારવામાં આવ્યા છે. કેટલાકને વિનાકારણ કાઢી મુકવામાં આવ્યા છે. મધ્યાહ્યકાળે, પગે ચાલીને અઢાર અઢાર માઈલ છેટે હાજરી ભરાવવા માટે વિદ્યાર્થીઓને જોર જુલમથી મોકલવામાં આવ્યા છે. એ જાતની રાજનીતિનો અમલ થાય એવાની દેખરેખ તળેનું શિક્ષણ લેતા હવે તમારે બંધ થવુ એમાં જ તમારુ સ્વમાન જળવાયેલુ રહેશે. તમે તમારી હાલની સરકારી શાળાઓમાંથી ઊઠી જશો તો પછી તમારી શી વલે થશે એવી શંકાને પણ સ્થાન નથી. દેશમાં છપ્પન લાખ નિરક્ષર બાવાઓ ભુખે નથી મરતા, તો તમે એવી શંકા શુ કરવા કરો? તમે ભણ્યા વગર નથી રહેવાના. કેવળ ડિગ્રીઓનો મોહ છે એજ તમારે મુકી દેવાનો છે. હુ જોઉ છુ કે ઘણા જણને વકીલ થવાનો બહુ મોહ હોય છે અને તે માટેનુ કારણ એવુ કલ્પવામા આવતુ હોય છે કે વકીલો બહુ કમાય છે. પણ તે કલ્પના વસ્તુત: ખરી નથી. જો ધનિક થવાની ઈચ્છા હોય તો વેપારધંધાથી થઈ શકાય છે, તમે સંખ્યાબંધ શેઠિયાઓ જોઈ શકશો કે જેઓ પુરા મેટ્રિક પાસ પણ નહી હોવા છતાં લાખોપતિ થયેલા છે. વસ્તુસ્થિતિ એ છે કે જ્યારથી તમે તમારી શાળા કોલેજો છોડશો ત્યારથી જ તમે તમારા શિક્ષકને શિક્ષણનો પહેલો પાઠ શીખવી શક્શો. કેટલાક એમ ધારે છે કે અમે બી. એ. માં છીએ એટલે બી. એ. પાસ થયા પછી અસહકારની હિલચાલમાં ભળીએ તો વધારે સારુ. પણ એવા નિશ્ચયો નબળા મનમાંથી જ ઘડાય છે. કેમ કે બી. એ. થયા પછી તો જાહેરખબરો જોવામાં અને જાહેરખબરો જોઈને ઉમેદવારી કરવામાં કે નોકરી શોધવામાં રોકાવાનું મન થઈ જાય છે અને તે રીતે પાછા "હતા ત્યાને ત્યા" રહેવાય છે. ગુજરાત કોલેજ કાલે સવારે ખાલી થઈ જાય તો તે કોલેજમાં કાંઇ પશુ પ્રાણી કે જનાવરોનું પ્રદર્શન ભરવાનું નથી. એજ મકાનનો આપણે પ્રજાકીયા દેખરેખ હેઠળ ઉપયોગ કરી શકીએ તેમ છીએ. માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ આ બાબતમાં અસરકારક કામ કરી બતાવવા ખરા સાહસિક થવુ જોઈએ. બધાના કરતા દેશના શ્રેયનો વધારે આધાર તમારા જ સાહસ પર રહેલો છે. દેશને તમે જ સ્વતંત્ર બનાવવા મોટી મદદ કરી શકશો. તેને માટે યુરોપમાંના દાખલા તાજા છે. અસહકારના યુધ્ધની શરણાઈ વાગી રહી છે. યુધ્ધનો આરંભ થયો છે, તો પછી તે વખતે "હુ શુ કરીશ" કે "મારૂ શુ થશે" એવા નિર્માલ્ય વિચારોનો ખ્યાલ નહી કરતા સર્વ કોઈ તેમા ઝંપલાવી ગજા પ્રમાણે મદદ કરવા સજ્જ થઈ રહે. તમારે પણ તેમ જ કરવાનુ છે. વખત થોડો છે અને હજુ મહાત્માજી તમને સંબોધન કરનાર છે એટલે વધુ બોલી તમારે અને મહાત્માજીની વચમાં હુ નથી આવતો.

પ્રજ્ઞાબંધુ તા. ૦૩-૧૦-૧૯૨૦

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in