સરદાર પટેલે કરમસદમાં તા. ૬ઠી એપ્રિલ ૧૯૪૭ના રોજ આપેલ ભાષણ | Vithalbhai Patel, Sardar Patel

સરદાર પટેલે કરમસદમાં તા. ૬ઠી એપ્રિલ ૧૯૪૭ના રોજ આપેલ ભાષણ

સરદાર પટેલે કરમસદમાં તા. ૬ઠી એપ્રિલ ૧૯૪૭ના રોજ આપેલ ભાષણ

કરમસદમાં માનપત્ર

(તા. ૬ઠી એપ્રિલ ૧૯૪૭ સવારે સાડા આઠે મંદ મંદ શીતળ પવન લહેરાય અને એક તરફ બ્રિટીશ સરકારથી ભારતને મળવાની આઝાદીને ખુશી વાતાવરણને ખુબજ ઉત્સાહિત બનાવી દીધેલ. કરમસદ ગામમાં આવેલી કન્યાશાળાનું ઉદ્દ્ઘાટન સમયે વાતાવરણ પ્રફુલ્લિત અને લાગણી સભર હતું, કન્યાના ભણતર માટે એક શાળા અને તેનુ ઉદ્દ્ઘાટન કરમસદના પનોતા પુત્ર સરદાર સાહેબના હસ્તે થાય ત્યારે સમજી શકાય કે ગામના લોકોની લાગણી. અને એટલેજ સરદાર સાહેબે કહ્યુ હતું કે કરમસદ ગામનો પ્રેમ મેળવવો કઠણ છે અને જેણે આ પ્રેમ મેળવ્યો તે ભાગ્યશાળી છે.) 

મારે માથે ત્રણ કામ હતાં એ પુરા કરવા હું દિલ્હીથી ગુજરાતમાં આવ્યો છું. મારે માથે એક પ્રકારનું ઋણ હતું ને એ દેવું પુરું નહી કરુ તો મારી સદ્દ્ગતિ નહી થાય એમ મને લાગતું હતું.

એમાં મુખ્ય તો ભાઈલાલભાઈને સવા વરસથી જંગલમાં બેસાડ્યા હતા, એને કંઈ પ્રોત્સાહન ન આપી શકું, એ જોઈ પણ ન શકું એથી વારંવાર મને ઊંઘ પણ આવતી નહોતી. બીજુ દેવું આણંદમાં ખેતીવાડીની સંસ્થા છે તેનું છે. જેલમાં જતા પહેલા એ સંસ્થા કાઢી હતી. એના ખર્ચ માટેના પૈસા સરકાર પાસે અપાવ્યા હતા. ત્યાં ડોક્ટર મગનભાઈને બેસાડ્યા છે. ભાઈલાલભાઈ અને મગનભાઈનું કામ જુદી જાતનું છે. ચાલતી આવેલી રૂઢિમાં થોડો ફેર કરવાનું છે. ત્રીજું કામ મારો એક સ્વયંસેવક આશાભાઈ રાસમાં બેઠો છે તેનું હતુ. એણે ખુબ સહન કર્યુ છે. એમાં હું ફાળો તો ન આપી શક્યો, પણ રાસે જે સ્મારક કર્યુ છે તે રાજી થવા જેવું છે. 

તમારા ગામમાં એક ભાઈ શહીદ થયા. એવા તો ઘણા ભાઈ શહીદ થયા. એનું ફળ તો હવે આવ્યું છે. અંગ્રેજ જવાના છે. સ્વતંત્ર તો થવાના છીએ પણ પછી ગુલામીને યાદ ન કરીએ એ જોવાનું છે. સ્વતંત્ર હિંદુસ્તાન વધારે સુખી થાય, દુનિયાને શાંતિનો સંદેશો આપે તો સ્વતંત્ર થયેલું સાર્થક છે. મને ખેડુતોમાં રખડવાનું મન તો ખુબ છે પણ શરીર ચાલતું નથી. અમદાવાદ આવ્યો અને જીવાભાઈ મળ્યા. એ મારા બાળસ્નેહી. એમને કેમ કરી ના પડી શકું? એમણે ગામના પ્રેમની વાત કહી. દુનિયાનો પ્રેમ સંપાદન કરી શકાય પણ ગામના લોકોનો, તેમાં વળી કરમસદ ગામના લોકોનો પ્રેમ સંપાદન કરવો કઠણ છે. સંપાદન કરી શકે એ ભાગ્યશાળી છે. બાકી મેં તો ગામનું કાંઈ કર્યુ નથી.

ગાંધીજી આવ્યા ત્યારથી એમના સહવાસથી મે મારું જીવન બદલી નાખ્યું છે. ગાંધીજી સાથે અહીં આવી ગયો છું. તમારી બહાદુરીની તારીફ બીજાતો કરે. હું તો ગામનો એટલે સાંભળીને ફુલાઉં એમ નથી. 

આપણી આસપાસ ગુલામીના જે મેલ ચઢ્યા છે એ કાઢવાના છે. સ્વતંત્ર થયા પછી પણ ગુલામીની દુર્ગંધ આવે તો સ્વતંત્રતાની સુવાસ નહીં ફેલાય. હું અહી ભણતો હતો ત્યારે ઓટલા પર પંડ્યા સોટી લઈ ભણાવતા. પણ હવે તો જમાનો જુદો આવ્યો છે.

આજે જે માણસ જાતમહેનત પર આધાર નહીં રાખે તે ભાંગી પડવાના છે. અંગ્રેજોએ આજ સુધી પોતાના સ્વાર્થ ખાતર કેટલાક લોકોના કાયમ હક સાચવી રાખ્યા હતા. જવાબદાર રાજાઓ, મોટા મોટા કારખાનાવાળા, એમને અંગ્રેજના રાજ્યની ઓથ હતી એ ચાલી ગઈ. અંગ્રેજોએ પોતાના સ્વાર્થ ખાતર આપણી એબને પાળીપોષી કાયમ રાખી. નાતમાં અનેક જાતના વાડા થયા. એક બ્રાહ્મણની કોમને ચોર્યાશી જાત. કુવાના દેડકાને કુવાનું અભિમાન, એને મહાસાગરની ગમ નથી. એ કંઈ હિંદુ ધર્મની સંસ્ક્રુતિ નથી. કાલે જ બોચાસણથી આવ્યો. ત્યાના મહારાજ મારી પાસે આવ્યા અને કહે છે કે મંદિરમાં આવો. તમારા કુટુંબનો તો મંદિર સાથે જુનો સંબંધ છે. પણ સાથે સાથે કહે કે એમાં હરિજનને દાખલ કરવાની અમારી હિંમત નથી ચાલતી. 

બીજાઓ આપણી એબ ખોતરી ખોતરીને જુએ છે અને બહાર દેખાડે છે. આપણે અહી હિંદુમુસલમાન જાનવરથી પણ ભુંડી રીતે રહેતા હોઈએ, સ્ત્રીઓની મર્યાદા પણ ન રાખતા હોઈએ, લડી મરતા હોઈએ, એ આપણી શરમ છે. એને લીધે બહાર આપણી નાલેશી થાય છે. પણ તમારે સમજવું જોઈએ, કે એ તો જુના રાજ્યનો વારસો મળ્યો છે. એને સાફ કરી સુધારવાનું છે. એટલે તુરતાતુરત ફાયદો ન દેખાય અંગ્રેજો ગયા તે માટે આપણે શુ કર્યુ છે? જુવારના ખેતરમાં જઈ ખેડુત તાળી પાડે તેમ આપણે વાટાઘાટ કરી તેમને ભગાડ્યા છે. સ્વતંત્ર દેશોએ સ્વતંત્રતા મેળવવા માટે જે ભારે ભોગો આપ્યા છે તેના પ્રમાણમાં આપણે ઓછા ભોગ આપ્યા છે અને ઓછા દુ:ખ સહન કર્યા છે.

ગાંધીજીએ તો પહેલેથી રચનાત્મક કાર્યની વાત કરી હતી. (રચનાત્મક કાર્યની ચાર દિવાલો - અસ્પ્રુશ્યતાનિવારણ, હિંદુમુસલમાન એકતા, ખાદી અને રાષ્ટ્રીયા કેળવણી)

લાલ વાવટાવાળા અહીં બારૈયા લોકોમાં પેઠા છે. એમની સાથે એમનો રોટલો ખાય છે અને એમને ઉશ્કેરે છે. હું કહું છું કે અહીં કોઈ મિલો નથી ચાલતી કે હડતાળ પડાવશો તો એ અટકી પડશે. પણ તમારે આમાથી ચેતવા જેવુ છે. પડોશીને ભુખ્યો ન રખાય. અને જમીનના પ્રમાણમાં વસ્તી વધી ગઈ છે તેનો એલાજ તો એ છે કે કેટલાકે બહાર નીકળવાનું સાહસ કરવું જોઈએ. તમારે સમજવું જોઈએ કે જે સાહસી હશે એજ જીવી શકશે. અને બહાર પણ ઈજ્જ્ત સાથે રહેવું જોઈએ. 

ગાંધીજી આફ્રિકા ગયા ત્યારે જોયું કે ફુટપાથ પર હિંદીને ચાલવા નથી દેતા, ટ્રેનમાં સાથે બેસવા નથી દેતા. લગ્નવિધિ પણ આપણો કબુલ નહોતા રાખતા. ગાંધીજી ત્યા લડ્યા અને એમને લાગ્યું કે પ્રથમ હિંદુસ્તાન સ્વતંત્ર કરવું જોઈએ.

હવે હિંદ સ્વતંત્ર થવાનું છે. તેની આબરૂ અત્યારથી વધી છે. સૌ પોતાના દેશનો એલચી આપણે ત્યા મોકલવા માગે છે. તેવે વખતે આપણે અંદરની પોલ કાઢી નાખવી જોઈએ.

આ કન્યાશાળાનું મકાન તમે મારી પાસે ખોલાવ્યું એમા સૌ બાળાને સાચી કેળવણી મળવી જોઈએ. આજની કેળવણી એવી છે કે કેળવણી લીધેલાને કામ કરતા શરમ આવે છે. એ સાચી કેળવણી નથી. આપણી કન્યાઓને સાચી કેળવણી આપીશું તો આપણા સમાજમાંથી કેટલાક કુરિવાજો, જે આપણને આગળ વધવા દેતા નથી તે કાઢી નાખવાનું સહેલું પડશે.

અમે મોટા ગામના છીએ એવુ મિથ્યાભિમાન, અમે ઊંચા કુળના છીએ એવુ મિથ્યાભિમાન, આપણે છોડવુ જોઈએ. ગુલામોને વળી કુળ કેવં? જેમણે સરકારની ખુશામત કરેલી, પોતાના સમાજનું નુકસાન કરીને સરકારને (અંગ્રેજોને) મદદ કરેલી એમને દેસાઈગીરીઓ મળેલી. એનુ અભિમાન શું? ખરાં કુળ તો હવે રચવાનાં છે. આપણી સ્ત્રીઓ પ્રત્યેનો આપણો વ્યવહાર પણ બદલવો જોઈશે. આપણી સ્ત્રીઓ આપણી સાથે ચાલી શકે એવી થવી જોઈએ. જુવાનિયાઓ હજી પણ આશા રાખે કે સ્ત્રી દાગીના લઈને આવે, ખાવાનું લઈને આવે, તો એ બધું ભુલી જાઓ. જે સેવા કરે અને જે ચરિત્રવાન હોય એજ સાચા કુળવાન છે.

તમારા પ્રેમ માટે આભાર માનું છુ.

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in